આજે એક સપનું આવ્યું.
આમ તો રોજ આવે પણ આજે કંઈક 'સ્પેશિયલ' કહી શકાય, એટ લિસ્ટ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય એવું કંઈક!
જેમ કોઈ વૃક્ષ કે છોડ એક્ઝેટ કેટલા વાગે ને કેટલી સેકન્ડે ઊગ્યું એ કહેવું જરાક મુશ્કેલ છે એમ સપનું એક્ઝેટ ક્યારે અને કેવી રીતે ચાલુ થયું એ કહી શકવું અઘરું છે, પણ જ્યાંથી યાદ છે ત્યાંથી કહેવાનું ચાલુ કરું છું…
હું મારા મમ્મીની આંગળી પકડીને એક મોટા સંઘ સાથે ઝડપભેર ચાલી રહી છું. હવે આ સંઘ કોણ છે, ક્યાં જાય છે, શું કામ જાય છે, કેમ આટલો બેચેન અને ઉતાવળિયો ભાગે છે કંઈ જ સમજ પડતી નથી, પણ હું મમ્મીની આંગળી પકડીને ચાલુ છું, આગળ અમુક લીડર્સ છે, કોઈ સૂટ-બુટમાં સજ્જ એકદમ પ્રોફેશનલ ટાઈપ બે ચાર જણ, એના પછી થોડી જગ્યા, એના પછી લાઈનમાં થોડા લોકો, અને પછી અમે, હું મમ્મી સાથે પેલી લાઈનમાં વચ્ચે ક્યાંક છું એટલે અમારી પાછળ કેટલા લોકો હશે એનો ખાસ અંદાજ નથી, અને બધા મમ્મી સાથે આવ્યા છે કે પછી એકલા પણ છે એ પણ ખબર નથી, પણ ઘોંઘાટ પરથી લાગે છે કે સંઘ ખાસ્સો મોટો હોવો જોઈએ. પાછળ જોવાની ઈચ્છા થઈ પણ પાછું વળીને જોઉં ત્યાં મમ્મી ટપોરે, 'ચાલ, ઝડપ-ઝડપ ફટાફટ...'
સવારના સૂર્યોદય પહેલાનો સમય છે, ઝીણું ઝીણું અજવાળું છે, ઉતાવળ છે, શહેર કંઈક નવીન છે, સુંદર છે, પરિચિત તો નથી લાગતું પણ છતાંય અનાયાસે જ પોતીકું લાગે છે. બની શકે આની પહેલાના કોઈક સપનામાં આ શહેર આવી ગયું હોય...!
રીયલ લાઇફમાં તો એવું થાય જ છે કે, 'હા, આવું તો પહેલા થઈ ગયું છે! આ ઘટના તો બની ગઈ હોય એવું કેમ લાગે છે!? કે પછી તમને ખબર પડી જાય (સરપ્રાઈઝીંગલી!) કે તમને કેમ ખબર પડી એકઝેટ આવું જ થશે?! ' દેજા વું' તરીકે ઓળખાતી આ સ્થિતિ માત્ર રીયલ લાઈફમાં જ નહીં, સપનાઓમાં પણ ઘણીવાર અનુભવાય છે. ઊંઘમાં સપનું જોતી વખતે એવું થાય કે આ શહેરમાં તો હું રોજ પસાર થાઉં છું, આ બસ તો હું રોજ પકડું છું! ખેર, એવું શું કામ થાય છે એનું રિસર્ચ કરવાની તીવ્ર ઈચ્છા ને મેં પડતી મૂકી અને એના પછી શું બન્યું એ વિચારવા બેઠી... યાદ કરવા બેઠી…
એ અપરિચિત-પોતીકા લાગતા અજાણ્યા શહેરમાં સંઘ સાથે લાઈનમાં ચાલતા ચાલતા રસ્તા પર અચાનક એક પાણીનું ખાબોચિયું આવે છે, અને એ કાદવવાળા ખાબોચિયાની આસપાસ બે-ત્રણ ગાય આમથી તેમ આંટા મારે છે, હું ડરી ગઈ - અટકી ગઈ. મમ્મીએ કીધું,"ટપી જા, કાઈ નો કરે!" હું ગાય સામે નજર રાખીને ટપી તો ગઈ પણ એક પગ ખાબોચિયામાં ગંદો થઈ ગયો.
આ ઘટનાને યાદ કરતી વખતે મને રીયલાઈઝ થયું કે મેં પગમાં સ્કૂલના વાઈટ મોજા અને બુટ પહેર્યા હતા, માટે સપનામાં મારી ઉમર સ્કૂલ વખતની જ છે! સપનું લાઇન બાય લાઈન વિચારતી વખતે-યાદ કરતી વખતે આપણે જાણે કોઈના લગ્નની કેસેટમાં નાચતી વખતે કેવા લાગતા'તા એ નોટિસ કરતા હોઈએ એવું લાગે!
એ ખાબોચિયું ટપી ગયા પછી મારું ધ્યાન એક વિશાળ દિવાલ તરફ પડે છે, ઘેરા મરુણ રંગની ઇંટ વાળી દિવાલ, જે લગભગ 25 થી 30 માળની કોઈ બિલ્ડીંગ જેટલી ઊંચી હશે! એટલે એની આરપાર જોવાનું પોસિબલ નહોતું, કોઈ ગેટ, વોચમેન, કે દિવાલની આસપાસ કોઈ તાર કે દીવાલની ધાર પર કોઈ ખૂંચેલા કાચના ટુકડા ની લાંબી હાર, એવું કશું જ દેખાયું નહીં, બસ ઊંચી દીવાલ! જો કે આટલી ઊંચી દીવાલ કોઈ સામાન્ય માણસ તો એમ પણ ચડી શકે નહીં. પહેલા તો લાગ્યું કે આ કોઈ જેલ હોવી જોઈએ, પણ મને આવું શા માટે લાગ્યું એ સમજાયું નહીં કેમ કે મેં ક્યારેય રીયલ લાઇફમાં કે ઇવન સપનામાં પણ જેલ જોઈ નહોતી, પ્લસ મુવીઝમાં આવી જેલ હોતી નથી. હશે.
એટલામાં તો અચાનક હું એ જ 25 થી 30 માળ જેટલી ઊંચી દિવાલવાળી બિલ્ડીંગની છત પર ઉભી છું, અને છત પરથી એક બારી- એક્ચ્યુલી બારી નહીં પણ વેન્ટિલેશન માટે (રૂમમાં ક્યાંક ઉપરના ખૂણે હવાની અવરજવર માટે ઝાળી જેવી ડિઝાઇનવાળા જે ખાચા બનાવેલા હોય છે) ત્યાં આગળ પગના પંજા પર ઊંચી થઈને એક વિશાળ રૂમમાં અંદર ડોકાતી હતી!
આ ઘટના વખતે મારું ધ્યાન મારા ટીંગાઈ રહેલા પગ પર ગયું અને મેં જોયું કે મેં પગમાં હવે સ્કૂલના નહીં પરંતુ ઓફિસના શુઝ (જે હું રીયલ લાઇફમાં રોજ ઓફિસ પહેરીને જાઉં છું) એ પહેરેલા છે! અને અચાનક કંઈક યાદ આવતું હોય એમ મેં સપનું બરાબર યાદ કરવાની કોશિશ કરી, મમ્મી ક્યાં ગઈ!? અને હું આ 25 થી 30 માળ જેટલી ઊંચી દિવાલની છત પર ક્યાંથી આવી?! હા , આ અવાજ કરતા લોકો તો કદાચ પહેલા સંઘના જ હોય એવું લાગે છે, પણ પેલા શૂટ-બુટ વાળા બે ચાર લીડર્સ પણ હતા -એ ક્યાં ગયા!? અને હું ડાયરેક્ટ મોટી થઈ ગઈ એવું લાગે છે, આ જોને ઓફિસના શુઝ!
એકાદ સીન કટ થઈ ગયો હોય પિક્ચરમાંથી એવું લાગ્યું! બીજી વાર ધ્યાનથી વિચારવાની મહેનત કરી જોઈ ત્યાં મમ્મી આવી , "બ્રશ કર ફટાફટ, અને પોતા મારીને કામે બેસ. સાડા નવે તારી મીટીંગ નથી?!"
ખેર, સપનું ક્યારેય આંગળી મૂકીને લાઈન ટુ લાઈન વાંચી કે યાદ કરી શકાય એટલું પરફેક્ટ હોતું નથી. અરે! બધા સપના તો યાદ પણ નથી હોતા! આ તો ઉઠતાવેત જે પહેલું યાદ આવે અથવા જેના લીધે ઊંઘ ઉડી જાય એ બે પ્રકારના જ સપનાઓ જનરલી યાદ રહે છે આપણને. અને એ પણ આછા આછા... 'હશે' કરીને મેં પડતું મૂક્યું ને રોજિંદી ક્રિયા-પ્રક્રિયાઓમાં ધ્યાન પરોવ્યું, પેલુ સપનું મગજમાંથી નીકળતું ગયું અને એમાં ખાસ કોઈ ઇન્ટરેસ્ટ પણ ના રહ્યો...
વળી જૈવિક ક્રિયાના ભાગરૂપે કુદરતી હાજતે જવાની પ્રક્રિયા ચાલુ થઈ! મોટા ભાગના લોકોને આ પ્રક્રિયા સુખરૂપ અને રિલેક્સિંગ લાગે છે! હા આ વાત તરત માની લેવામાં લોકો જરાક હસીને ક્ષોભ અનુભવે એ વાત અલગ છે! મમ્મીઓ પણ નાનું બાળક જ્યારે ખિલખિલાટ કરવા માંડે ત્યારે બોલે,' હમણાં તેડતા નહીં, રહેવા દો, થોડીવારમાં ડાયપર બદલવું પડશે!' 'આઇન્સ્ટાઇનને મોજા પહેરવા ન ગમતા.' એના જેવી બીજી પણ એક ફેક્ટ ક્યાંક વાંચેલી છે કે એમના પત્નીએ એકવાર એક વિઝીટરને જણાવેલું કે,'એકવાર એ રેસ્ટ રૂમમાં જાય પછી કહેવું મુશ્કેલ છે એ ક્યારે પાછા નીકળશે!' એકવાર આઈન્સ્ટાઈને પોતે પણ હસતા હસતા કબૂલ્યું હતું કે,'ઘણીવાર કોઈ જટિલ ઉકેલ દિવસોની મહેનત સુધી ન મળે અને અચાનક રેસ્ટરૂમમાં ક્યારેક ઉકેલ મળી જાય! ઘણા ક્રિએટિવ આઇડિયાઝ અને સોલ્યુશન ત્યાં મળે છે!'
ખેર, આ તો જરાક આઈન્સ્ટાઈન જેવી વ્યક્તિની વાત કરીએ એટલે આ ટોપિક વધુ ઇન્ટરેસ્ટિંગ લાગે, બાકી આપણી સાથે પણ આવું બનતું જ હોય છે ને! કેટલી બધી સૌ ભુલાઈ ગયેલી વાતો જેમ કે કોઈકને આપવાના પૈસાનો હિસાબ, કોઈકના મિસ્ડ કાલનો જવાબ કે પછી રોટલીનો લોટ ખૂટી ગયો છે જેવી ઘણી વાતો આપણને જૈવિક ક્રિયાઓ દરમિયાન યાદ આવી જાય છે! મને પણ બસ આમ જ નેચરલી પેલું બાજુએ મુકાઈ ગયેલું સપનું મોબાઇલ નોટિફિકેશન ની જેમ અચાનક અને અધૂરેથી યાદ આવ્યું!
હું એ બિલ્ડીંગમાં ક્યાંથી, કેવી રીતે પહોંચી, કેમ મોટી થઇ ગયી, અચાનક મમ્મી ક્યાં ગયી, એ બધું યાદ કરવાની માથાકૂટ કર્યા વગર મેં એ વેન્ટિલેશન જેવી બારીમાંથી ડોકિયાં કરવાનું ચાલુ કર્યું. અંદર અંડરગ્રાઉન્ડ જેવી લાગતી રૂમમાં ચાર લોકો લગભગ ત્રણેક મીટર લાંબા લંબચોરસ ટેબલ પર દૂર દૂર ચારેય ખૂણે એક-એક એમ બેઠેલા હતા, રૂમની દીવાલો ઘેરા મરૂન (લગભગ કાળા) રંગની હતી, રૂમમાં પંખા દેખાયા નહિ, એસી હશે કદાચ. માટે જ પેલા લોકોના ઝડપ ઝડપથી કમ્પ્યુટરમાં તબલા વગાડતા હોય એમ ટાઈપ કરવાના અવાજો ચોખ્ખા સંભળાતા હતા. એ રૂમમાં છત પર આ વેન્ટિલેશનની ઝાળી સિવાય કોઈ જ બારી પણ દેખાતી નહોતી, એકાદ મંદ પીળા કલર જેવી લાઈટ હતી, પણ પેલા ચારેય ના ચહેરા સરખા જોઈ શકાય એટલુંય અજવાળું હતું નહિ, એ લોકોના ચહેરા પર કોઈ સ્પોટલાઇટ હોય એમ એની સ્ક્રીનની લાઈટ આછી પાતળી લબુક્ઝબુક થતી રહેતી હતી, ઉપરથી ઘેરા મરૂન રંગની દીવાલોને લીધે રૂમ બહુ જ અંધારિયો અને નીરસ લાગતો હતો, જોઈને જ ગભરામણ થવા લાગી.
એ ચાર જણમાં થી મારી નજર મારા જેવડી બાવીસેક વર્ષની એક છોકરી પર અટકી, એ છોકરી વારેવારે એની મોંઘી કાંડાઘડિયાળ જોતી-જોતી ઉતાવળમાં એના કમ્પ્યુટરમાં ધડાધડ અને ફૂલ સ્પીડમાં કંઈક ટાઈપ કરતી હતી, એની આજુબાજુમાં ટેબલ પર બહુ બધી ફાઇલ્સના ગંજ ના ગંજ વિખરાયેલા પડેલા હતા, એ એક એક રેકોર્ડ્સ પર છેકા મારતી જતી, ટાઈપ કરતી જતી અને પછી પેલી ફાઇલ્સ ફાડીને ડસ્ટબીનમાં ડૂચા જેવું કરીને ફેંકતી જતી હતી. ફરી એની મોંઘી કાંડાઘડિયાળ માં જુએ ને ઉતાવળે-ઉતાવળે હાંફળી-ફાંફળી કોઈ ગાડી પકડવાની હોય એમ એક પછી એક ફાઇલ્સના રેકોર્ડ્સ નોંધતી જાય...
લગભગ ડાર્ક બ્લુ જેવો શર્ટ પહેરેલી, એ યુવતીનો ચહેરો બરાબર ના જોઈ શકાયો, કેમ કે એ રૂમ એટલો વિશાળ અને ઊંચો હતો કે છતના એ બાકોરમાંથી એ ચારેય સાવ નાનકડા ટેરવા જેવા દેખાતા હતા. "એ ગવર્મેન્ટ ના સિક્રેટ એજન્ટ છે, બહુ જ ઇન્ટેલિજન્ટ છે, કરોડોમાં પગાર છે એમના, એ બધા જ 'ડ્રીમ કોલેજ' પાસ આઉટ છે, અને આ બિલ્ડિંગમાં આવા લગભગ પચીસેકહજાર સિક્રેટ એજન્ટ્સ હશે." પેલા બાકી બચેલા પંદરેક જણના સંઘમાંથી મારી જેમ આગળ વાળાને સહેજ-સહેજ ધક્કામૂકી કરીને છતના બાકોરા આગળ આવીને રૂમમાં ડોકાતા ડોકાતા કોઈક બોલ્યુ.
ત્યાં વધુ માહિતીની અપેક્ષામાં બીજો બોલ્યો," અલ્યા! કરોડોમાં!?"
" હા...આઆ! અને બધી ફેસિલિટી કંપનીમાં જ! એકદમ 'લેવીશ'!"
"અહા! ડ્રીઈઈઈમ જોબ બાકી, હો!" બીજો એક સંઘના બાકી બચેલા એ ટોળા માંથી જ વધારે પડતો જ ઉત્સાહ સાથે બોલ્યો.
"કરોડો!" હું લગભગ મનમાં જ બબડી. મેં ફરી એકવાર ઝીણા ઝીણા દેખાતા ચારેય 'એજન્ટ્સ' અને ખાસ તો પેલી વારંવાર બેબાકળી બનીને રેકોર્ડ્સ લખતી યુવતી સામે જોયા કર્યું. મને તો પેલા લોકો જેવી ખાસ કોઈ એક્સાઈટમેન્ટ થઈ નહીં. મે વધુ ઇન્ટરેસ્ટ દાખલવા પેલી યુવતીને ફરીથી અલગ દ્રષ્ટિકોણ થી જોવાની કોશિશ કરી જોઈ. એના શર્ટ-બુશર્ટ વાળા 'રિચ' કપડાં, સજ્જડ હેરસ્ટાઈલ, મોંઘી ઘડિયાળ, સ્ટાઇલિશ ફૂટવેર, બ્રાન્ડેડ પર્સ, દૂરથી પણ આછા પાતળી ચમકતી દેખાતી ક્લાસિક જ્વેલરી વગેરેના પ્રભાવ હેઠળ પણ એના ચહેરા પરની અપાર ચિંતા, ફફડાટ, ડર, અને સૌથી ઇમ્પોર્ટન્ટ યાંત્રિક શૈલીમાં કામ કરવાની ઢબ મારા અઢળક પ્રયત્નો છતાં કોઈ જ રીતે નજર અંદાજ થઈ શક્યા નહીં.
આવી જોબ કદાચને મળી જાય તો પણ મારાથી તો ના થાય! મને મારી જાતને પેલી યુવતી ની જગ્યાએ ઈમેજીન કરવાનું બરાબર ફાવ્યું નહીં, એમાંય કંપનીની( ઘેરા મરુણ રંગની દીવાલો વાળા, બારી વગરના અંધારીયા ઓરડા ની) બહાર ક્યારેય નીકળવાનું જ નહીં, આ ભોંયતળિયાના રૂમમાં દિવસ, રાત, વરસાદ, ઠંડી, ગરમી , ભૂકંપના અવાજ કશી જ ખબર ના પડે! એકદમ યંત્રવત અને ઓનટાઈમ કામ કરવાનું, એ પણ ઝીરો એકસેપ્શન સાથે, માની લો કે ભૂલથી ભૂલ પડે તો...?! મને મારી જાતને એ પરિસ્થિતિમાં મૂકવાનું ખૌફજનક લાગ્યું અને જાણે કંઈક નિશ્ચય જેવું કરતી હોવ એમ મનોમન વિચાર્યું,' ભલે આ લોકો સાથે આવી તો ગઈ પણ અહીંયા તો જોબ નહીં કરું...'
"પણ આપણને જોબ આપશે કોણ અહીંયા?! ન તો આપણે હાઈલી ઇન્ટેલિજન્ટ છીએ, ન તો કોઈ 'ડ્રીમ કોલેજ' પાસઆઉટ." પેલા સંઘમાંથી એકાદ જણ બોલ્યો. મને જાણે ડાબા હાથની સટાક થપ્પડ પડી હોય એમ લાગ્યું અને સાથે જ મારી જાતને ઠપકો આપવાનું મન થઈ આવ્યું. (સેલ્ફ -એસ્ટીમ માપવાનું થર્મોમીટર જો હોત તો કદાચ બહુ ઊંચે ચડી ગયેલો પારો સડસડાટ નીચે ઉતરતો દેખાઈ જાત!)
ફરી એકવાર પેલા વેન્ટિલેશનના બકોરામાંથી ઝીણા ઝીણા ટેરવા જેવા દેખાતા ચારેય જણ અને ખાસ તો પેલી યુવતી ની જગ્યાએ મારી જાતને ઈમેજીન કરવાની હરકત પર મને 'ખંધુ' હસવું આવ્યું. એ યુવતીને ફરીથી એક નવા દ્રષ્ટિકોણથી જોઈ શકવાની કડી મળી. આ વખતે કોઈ ફાટેલા કપડાવાળા, મેલાઘેલા વાળવાળા, ભૂખ્યા માણસની જેમ સેવન સ્ટાર હોટેલની કાચની બારીમાંથી મોટા ડાયમંડના ઝુમ્મરના પ્રકાશ નીચે નાનકડી પિંકીની બર્થડેપાર્ટીમાં બત્રીસ નહીં પણ બાવન પકવાનની મોજ કરતા કરોડપતિઓની થાળીમાં તાકી તાકીને જોતી હોવ એમ જોયું! (‘થર્મોમીટર!’). પણ અંદરખાને એક ખોટી આશા રાખી વિચાર્યું,' ચલો જોઈએ! મળી જાય તો સારું!' અને સાથે જ અણગમા સાથે વિચાર્યું, ' આમ તો ન મળે તો પણ સારું...'
"એલાવ, એય! ચાલો હવે અહીંથી, આ પ્રાઇવેટ ઝોન છે, કોઈક કંપની વાળા જોઈ જશે તો મારીને અંદર કરશે, જોબ તો ઠીક છે, ઘર પણ નહીં મળે પાછું..." મારા જેવો ફટ્ટુલાલ કોઈક બોલ્યો..
"શું?! પકડાઈશું તો?!" એક જણે ડરીને ચીસ પાડતા ભાંગરો વાટ્યો.
અને પેલી યુવતીએ તરત ચમકીને છતના બાકોરા સામે જોયું અને એ જ ક્ષણે ફોન હાથમાં લઈને છતના બાકોરાનો ફોટો ક્લિક કરી લીધો. એના મોબાઈલ કેમેરાની ફ્લેશલાઇટ જોઈને એ ફોટો પાડી રહી છે એવું કોઈ સમજીને કોઈ વેન્ટિલેશનથી દૂર હટી જાય એ પહેલાં જ પેલા બીજા ત્રણ લોકોએ પણ વેન્ટિલેશનના બાકોરાના ધડાધડ ફોટા પાડી લીધા. ચારેયની બોડી લેંગ્વેજ એકદમ સેમ - એકદમ યંત્રવત!
એ લોકો જેટલા 'ક્વીક' હતા એટલા જ અમે 'ટ્યુબલાઈટ' હતા એ વાતનું અમને ભાન થયું. સંઘ હો-હા કરતો વેન્ટિલેશનના બાકોરાથી દૂર હટ્યો. હું પણ ડરીને દૂર હટી ગઈ. 'હવે શું થશે' એનો ખૌફ પેઠો અને આ સંઘ સાથે અહીંયા ઈલીગલ રીતે આવવામાં અફસોસ થયો. પણ અચાનક, ' જો મેળ પડે તો કરોડો રૂપિયામાં સેલેરી મળે' વાળો ઇલાયચીવાળો લાલચી વિચાર આવતા મનમાં સંઘથી અલગ થવાના વિચારને કાબુમાં કર્યો અને 'હવે શું થશે' વાળા ખૌફ પર પાછું ધ્યાન લગાવ્યું.
"આપણે આવી ગયા ફોટામાં હવે?!" સંઘમાંથી એક જણ ફફડાતા ફફડાતા બોલ્યો.
" એલા! આટલા મોટા રૂમમાંથી દૂરથી ફોટા લીધા એમાં આપણે નહીં ઓળખાઈએ બરાબર."
બીજો જણ બોલ્યો. લાગેલી આગને નજરઅંદાજ કરવાથી જાણે આગ ઠરી જવાની હોય એવા ફાલતુના મન મનાવવાના તર્કથી.
"ના, આ લોકો પાસે હાઈ રિઝોલ્યુશન વાળા ડિવાઇસ હોય છે, ગમે એટલો ઝૂમ કરશે તો પણ ફોટો બ્લર નહીં થાય, એક-એક વાળ પણ છૂટો પાડી પાડીને ઓળખી કાઢશે!" ત્રીજાએ વળી ફરીથી લાગેલી આ તરફ ધ્યાન દોર્યું અને અમે બધાએ ફરીથી ખૌફ પર ધ્યાન પરોવ્યું…
"આપણે હવે મિસ્ટર ડીનને મળી જ લઈએ, એમ પણ આટલું બન્યા પછી આ ગેટની બહાર નીકળવું પોસિબલ નથી, પાંચ મિનિટમાં જ સિક્યુરિટી આવશે..." મેઈન ગેટની દિશામાં આંગળી કરીને એક જણ બોલ્યો. ‘અચ્છા! તો આપણે કોઈ પાછલા રસ્તે થી ઈલીગલ રીતે અંદર પેઠા છીએ…’ ફરી સંઘ સાથે આવીને કંઈક ખોટું કર્યાનો અંદાજ આવ્યો. પણ પેલી ઈલાયચી વાળી લાલચે જાણે પગના અંગૂઠા પર જોરથી ફટકો મારીને વિચાર દબાવી દીધો અને ફરીથી એકવાર 'હવે શું થશે' વાળા ખૌફ પર પાછું ધ્યાન પરોવ્યું.
"હા, પણ મિસ્ટર ડીનને મળીને કહીશું શું આપણે?" મારાથી અચાનક બોલાઈ ગયું.
બચેલા ખૂંચેલા દસ-બાર લોકોના આખા સંઘે અચાનક મારા સામે જોયું અને જાણે કોઈ અજાણી વ્યક્તિ સામે જોતા હોય એમ મારી સવાલ કરવાની હરકત એ લોકોને ખૂંચી ગઈ હોય એવું સાફ દેખાયું. હું લગભગ 'આઈ એમ વેરી સોરી' કહેવા જ જઈ રહી હતી ત્યાં જ લોખંડના તોતિંગ મોટા મેઈન ગેટ તરફથી એક લેડી 'રીચ સિલ્કી' બ્રાઉન સાડીમાં બે ચાર સિક્યુરિટી ગાર્ડ સાથે આવતા દેખાયા. એકદમ સિલ્કી સ્ટ્રેટ હેરમાં, અને એવી જ સિલ્કી અને મિલ્કી વાઈટ સ્કીન, અને રૂપાળા હાથમાં સાદી બ્લેક પણ મોંઘીદાટ બ્રાન્ડેડ વોચ પહેરેલા હાથને ઉંચો કરીને એ લેડીએ સંઘને ચૂપ રહેવા નો ઈશારો કરતા કડક અવાજે પૂછ્યું," મિસ્ટર ડીન સાથે શું વાત કરવી છે?" અને અનાયાસે જ મારા તરફ જોયું. મારું એક ક્ષણ માટે હૃદય બેસી ગયું હોય એવું લાગ્યું. હતપ્રત બનેલા અમારા એ સંઘમાં એક ઊંચા શ્વાસ વાળી શાંતિ ભય સાથે પ્રસરી. આખા સંઘ પર એક નજર નાખવા માટે એ લેડી બીજી તરફ જોઈ રહ્યા હતા ત્યારે હળવેકથી હું મારા પાછળ વાળાને સહેજ બાજુ પર ધક્કો મારીને બિલ્લી પગે સેકન્ડ રો માં જતી રહી જેથી કરીને એ લેડીની મારા પર ડાયરેક્ટ નજર પડે નહીં. મારો ચહેરો યાદ ન રહી જાય અને સૌથી અગત્યનું મારે એમને કોઈ પ્રશ્નોના જવાબ પણ આપવા ન પડે.
ત્યાં જ સિક્યુરિટી વાળા બે ચાર જણ બીજા બે ત્રણ સુટ બુટમાં અતિશય પ્રોફેશનલ (અમારા સંઘના પેલા ખોવાઈ ગયેલા લીડર્સ કરતા પણ વધારે) લાગતા સાહેબો સાથે આવ્યા અને ઇંગલિશ માં પહેલા 'રીચ સિલ્કી' બ્રાઉન સાડીવાળા મેમ જોડે કંઈક વાતો કરવા લાગ્યા. મેં એ સ્વરૂપવાન, ઇન્ટેલિજન્ટ, કોન્ફિડન્ટ અને કરોડપતિ (હોય જ ને! એવું માની લીધું!) યુવતી - સોરી મેમ સામે ધારી ધારીને જોયા કર્યું અને ફરી પેલી સેવન સ્ટાર હોટેલની કાચની બારીમાંથી તાક્યા કરવાવાળી વાત યાદ આવી ગઈ! (‘થર્મોમીટર!’).
એ કરોડપતિ મેમસાહેબ અમને એક નજરથી કોઈક બારકોડ સ્ટીકર સ્કેન કરતા હોય એમ જોઈ રહ્યા. એમની એ તીક્ષ્ણ નજરમાં અમને અમારી ગરીબી તથા અહીં ઈલીગલ આવીને અમારા ગજા બહાર કરેલી મૂર્ખાઈ નો ક્ષોભ ચોખ્ખા દેખાઈ રહ્યા હતા. આ દેશની આત્મામાં ગરીબીનો ક્ષોભ નગ્નતા કરતા પણ ઊંડા મૂળીયા જમાવીને બેઠો છે. એ નજરમાં અમે ઘૃણા અને તિરસ્કારની ગંધ અનુભવી, જે અમારા આત્મસન્માનને વધુ દરિદ્ર અને ખોખલો બનાવી રહી હતી. જેથી અમારી નજર વધુને વધુ ઝુકતી જતી હતી. આ એક સેકન્ડની અંદર જે બન્યું એ અમારા સમગ્ર જીવનને એક પ્રશ્નાર્થ પર મુકવા માટે પૂરતું હતું. એ કરોડપતિ મેમે એમના મોંઘીદાટ વોચવાળા હાથે જમણી બાજુની એક બિલ્ડીંગ (જે પણ પેલી લાલ ઇંટની દિવાલવાળી બિલ્ડીંગ જેવી જ એક પણ બારી વગરની નીરસ અને એનાથી પણ વધારે ડરામણી દેખાતી હતી ) તરફ ઇશારો કર્યો અને એમની પાછળ એક લાઈનમાં એમને અનુસરવા માટે કહ્યું.
અમે ખૂબ ડરેલા હતા અને લાગ્યું કે હવે તો આપણું આવી જ બન્યું. દરેક જણ પહેલા દિવાલ ઠેકીને આવવાની સલાહ આપનાર વ્યક્તિ સામે તિરસ્કારભાવથી જોવા લાગ્યા, જાણે આંખોથી કાચે કાચો ખાઈ જવાની ધમકી આપતા હોય એ રીતે! પણ એ વ્યક્તિ જાણે કશું બન્યું જ ન હોય એમ પહેલા મેમની પાછળ પાછળ એમને અનુસરવાના કમાન્ડને ફોલો કરવા માટે ઇશારાથી અમારા બધાનું ધ્યાન દોરે છે, અને એની આંખોમાં સાફ દેખાઈ રહ્યું હતું કે આ સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી.
હું મારા પગમાં પહેરેલા ઓફિસના શુઝ તરફ જોતા જોતા હવે આગળ ખરાબ થી ખરાબ શું થઈ શકે એ વિચારતી સંઘની સાથે લાઈનમાં ચાલવા લાગી. એકાદ ક્ષણ માટે ફરી એકવાર મમ્મી લાઈન માંથી ક્યારે અલગ પડી ગઈ હશે અને હું અચાનક ક્યારે મોટી થઈ ગઈ અને વચ્ચેનો સીન કેમ કટ થઈ ગયો અને એમાં શું બન્યું હશે એની હળવી મૂંઝવણમાં ચાલતી રહી. ધ્યાન ભટકાવવા માટે અને ડરને કાબુમાં રાખવા માટે એ પ્રકારની મૂંઝવણો એ સમયે જરૂરી લાગી રહી હતી…
હું એક વિશાળ-અતિ વિશાળ મ્યુઝિયમ જેવા એક રૂમના એન્ટરન્સ પર ઉભી છું. જ્યાંથી એક પછી એક એમ લાઈનમાં કાચના રૂમ જાણે વન બાય વન કોઈ પ્રદર્શન જોવાનું હોય એમ ગોઠવાયેલા દેખાઈ રહ્યા હતા, અને એ પ્રદર્શન જોવા વિઝીટર્સ માટે થોડા અંતરેથી જેમ અંધારાવાળી (પ્રદર્શન હું એક વિશાળ-અતિ વિશાળ મ્યુઝિયમ જેવા એક રૂમના એન્ટરન્સ પર ઉભી છું. જ્યાંથી એક પછી એક એમ લાઈનમાં કાચના રૂમ જાણે વન બાય વન કોઈ પ્રદર્શન જોવાનું હોય એમ ગોઠવાયેલા દેખાઈ રહ્યા હતા, અને એ પ્રદર્શન જોવા વિઝીટર્સને ચાલવા માટે થોડા અંતરેથી જેમ અંધારાવાળી (પ્રદર્શન બરાબર હાઈલાઈટ થાય એટલા માટે) લાંબી કતાર હોય છે એવી જ કતાર અહીંયા પણ એ એક હરોળમાં ગોઠવાયેલા કાચના ખોખા જેવા રૂમની આગળ દેખાતી હતી. દૂરથી એ દરેક કાચના રૂમ પ્રકાશિત દેખાતા હતા, શાંત દેખાતા હતા અને અંદર કશુંક આર્ટિસ્ટિક હશે એવું પણ લાગતું હતું. મને રસ પડ્યો અને થયું કે આ કંપનીની 'હિસ્ટ્રી' અને વર્ષો જૂની 'સ્ટ્રગલ સ્ટોરીઝ' આ એક પછી એક રૂમમાં ટાઇમલાઈનની જેમ દર્શાવવામાં આવ્યા હશે.
મેં એક્સાઇટમેન્ટ થી આજુબાજુમાં જોયું. પેલા કરોડપતિ મેમ દેખાયા નહીં. 'લે ક્યાં ગયા?' મેં પાછા વળીને જોયું તો સંઘવાળું પણ કોઈ દેખાયું નહીં! 'અરે! હું આ મ્યુઝિયમ જેવા ઓરડામાં એકલી જ છું?!' પહેલા તો હળવો આંચકો લાગ્યો અને પછી ધીરે ધીરે ડર વિશાળ થઈ રહ્યો હતો એન્ટ્રન્સનો દરવાજો જ્યાંથી હું આ રૂમમાં પ્રવેશી હતી એ પણ ગાયબ હતો! હું એકલી છું અને આ મ્યુઝીયમના રસ્તામાં ઘોર અંધારું છે, પેલા પ્રકાશિત રૂમના મુખ વિઝીટર્સની દિશામાં છે એટલે અહીં એન્ટ્રી પોઇન્ટ પરથી એમની અંદર એક્ઝેટ શું હશે એ તો દેખાતું નથી. પણ મોટું સ્વરૂપ લઈ રહેલા ડરના લીધે હવે ઊંધા ચત્તા વિચાર આવવા લાગ્યા હતા. 'હિસ્ટ્રીના બદલે કોઈ ભૂત હશે તો?! કોઈક કંકાલના ઢગલા?! લોહીના ખાબોચિયા?! હસતી રહેતી ખોપડીઓ?! ઊંધા માથાવાળી, લાંબાવાળ વાળી, ઊંધા પગવાળી, સફેદ સાડીવાળી, મોટી આંખોથી અને લોહિયાળ દાંતથી ડરામણું અટ્ટહાસ્ય કરતી ચુડેલ!?' ના ના...આ! હે ભગવાન! કંપારી છૂટી ગઈ. એકાદ સેકન્ડ રાહ જોવાનું વિચાર્યું કદાચ કોઈ આવે પાછળ રહી ગયું હોય તો, પણ કોઈ આવ્યું નહીં. ધ્રુજતા પગે આજુબાજુમાં આશાની નજરથી જોયું પણ અંધારું જ અંધારું છે એક ડગલું જરાક પાછળ હઠી અને મને અનુભવ થયો કે મારા પગમાં ઓફિસના શૂઝ પહેરેલા નથી, હું ખુલ્લા પગે ઉભી હતી!
‘ઓફિસના શુઝ ક્યાં ભૂલી ગઈ હું?’ અત્યારે 'આવા સમયે' એ યાદ કરીને અને એ બાબતે કોન્સિયસ થવા બદલ મને મારી જાત પર જરાક આશ્ચર્ય થયું! મારી પસંદગીની વસ્તુઓને લઈને જરાક વધારે પડતું જ (એ ક્યારેય ખોવાવી જ ન જોઈએ એવું) 'ઓબ્સેસન' રાખું છું એ બાબતે તિરસ્કાર પણ થઈ આવ્યો. હા, એ વાત અલગ છે કે રોજિંદા જીવનની મહત્વથી અતિ મહત્વની વસ્તુઓ જેમ કે ચાવી, મોબાઈલ, ડોક્યુમેન્ટસ, જ્વેલરી વગેરેને હું ગમે ત્યાં બેદરકારીથી ભૂલી જાઉં છું કાં તો ખોઈ નાખું છું. પણ મારી ગમતી વસ્તુ માટે મને હંમેશા વિશેષ લગાવ કેમ થાય છે!? શું આ પ્રકારના વિશેષ લગાવને મારા વધારે પડતા સેન્સિટીવ હોવા સાથે કોઈ લેવા દેવા હોઈ શકે!?
ફરી એકવાર આ મ્યુઝિયમ જેવા રૂમમાં પ્રગટ થયેલા નવા ખૌફ પર પાછું ધ્યાન પરોવવાની કોશિશ કરતા હળવેકથી આગળ વધવાનું ચાલુ કર્યું; અને અચાનક કોઈક કાચ ફૂટવાનો જોરથી ધડાકો થયો. મારી આગળ વધવાની હિંમત એ કાચની જેમ જ ધડાકાભેર તૂટી ગઈ અને ચીસ પણ ન નીકળી શકે એ રીતે ડર મારા હૃદયના છેલ્લા પાટિયા સુધી ધરબાઈ ગયો. એટલામાં એ અંધારાવાળી કતારમાંથી મારી તરફ આવી રહેલી બે ચમકતી આંખો દેખાઈ - માત્ર ચમકતી બે તગતગતી આંખો! એ આંખો જેમ જેમ મારી નજીક આવી રહી હતી તેમ તેમ મારું શરીર લાકડાની જેમ થીજી રહ્યું હતું. મદદ માટે ચીસ પાડવાની તીવ્ર ઈચ્છા થઈ પણ ડરના લીધે એ ચીસ કોઈ કડવા કાવાની જેમ ઊંડે ઊંડે જડ થઈ ગઈ હતી. એ આંખો નજીક આવી રહી હતી, હૃદય એકદમ બંધ પડી રહ્યું હતું, ફફડાટ વધતો જતો હતો, પાછળ પગે હટવાની કોશિશ કરી (જે અલબત્ત નિરર્થક હતી, જોકે.) અને ત્યાં એ બે આંખો એકદમ મારી સામે આવીને ઉભી રહી ગઈ. અને હું ખુશી, સાનંદાશ્ચર્ય અને હાશકારાથી મનમાં જ બબડી, 'લે આ શું ? આ તો બિલાડી છે! મને તો થતું હતું શુંએ હશે!?' જરાક જાત પર હસવું આવ્યું અને ક્ષણિક આનંદમાં રાહતના આંસુ જેવું કંઈક બહાર નીકળતા નીકળતા રોકાઈ ગયું હોય એવું પણ લાગ્યું. મારા ડરપોક હૃદયને મૃત્યુ જાણે હો-હા-ખી-ખી કરીને રમાડી ગયું હોય એવું લાગ્યું!
એક ઊંડો શ્વાસ લીધો અને અચાનક જ કંઈક યાદ આવ્યું હોય એમ આગળ વધતા પગ ફરી એકવાર જમીનમાં ખોડાયા.
'આ તો કાળી બિલાડી હતી, બોસ! નોટ ગુડ ઓમેન! નોટ ગુડ સાઇન ટુ ગો ફરધર!' ફરી ડર પેઠો.
પરંતુ આ ડર બે ક્ષણ પહેલાના ડર કરતા થોડો અલગ હતો. બે ક્ષણ પહેલાનો ડર ઈન્ટેન્સ હતો. એવો ડર કે જે પહેલા મેં ક્યારેય અનુભવ્યો નહોતો. પણ અત્યારે જે ડર છે એ કંઈક પરિચિત ડર છે.
'એવું!? ડરના પણ પ્રકાર હોય છે ખરા?! આ બંને ડરમાં શું ફર્ક છે?!'
'મને લાગે છે કે પહેલો ડર મને મૃત્યુનું રીયલાઈઝેશન કરાવતો હતો. જેની આ ક્ષણભંગુર છતાં અતિ અભિમાની મગજે ક્યારેય પરવા કરી જ નથી. અને જાણે 'હજી તો વાર છે' ના દીવાસ્વપ્નમાં ભાટકતા મનને બહુ બરાબરનો તમાચો પડ્યો હોય એવા ટાઈપનો ડર હતો એ. મૃત્યુનો ડર હોવો એ એક વસ્તુ થઈ એના માટે કદાચ દરેક વ્યક્તિની તૈયારી છે પણ ક્ષણભંગુરતાનો ડર!? મૃત્યુ 'આવશે' એવું નહીં અત્યારે જ આવી જાય તો?! તૈયારી છે ખરી?! કેવી તૈયારી?! શું એની કોઈ તૈયારી પણ હોય છે? ના. મૃત્યુની નહીં પણ જીવનની તૈયારી! મડદા જેવા ખોખલા રખડપાટ કરતા રહેતા અસ્તિત્વમાં ક્ષણભંગુર જીવનની 'સભાનતા' ચેતનાનું દિવેલ પુર્યા કરે છે. ગંતવ્યની દિશાઓમાં જવાની હિંમત ઉઘાડે છે. અને પછી મૃત્યુ ડર નહીં પણ ઉત્સવ જેવું કંઈક લાગશે, અને જીવન એ ઉત્સવની હોંશભેર કરવામાં આવતી તૈયારી!’
'પણ બીજો ડર? એ બહુ પરિચિત કેમ છે?'
'એ ડર ભવિષ્યની ‘સતત’ રહેતી ચિંતાનો ડર છે. એ કપોળકલ્પિત પેદાશ છે મગજની! આ એ જ ડર છે જે જીવનને 'હજી તો વાર છે' કહીને સીધા પાટે ચાલતા અને પેલા ઉત્સવની તૈયારી કરતા રોકે છે. કદાચ એટલા માટે જ ગંગાસતીએ જીવનને 'વીજળીના ચમકારા' જેવું ક્ષણિક કહ્યું છે.
વેલ, આટલી ફિલોસોફી પછી પણ કાળી બિલાડીના અપશુકનનો ડર લેસમાત્ર ઓછો થયો નહોતો. છતાંય આગળ વધવાનું નક્કી કર્યું. ભૂત જ હશે અંદર એવું માનીને જ ધીરે ધીરે મેન્ટલી પ્રિપેર્ડ થતી થતી આગળ વધી. પ્રથમ નંબરના રુ મના એ દ્રશ્ય જોઈને અસ્તિત્વ ક્ષણવાર માટે થંભી ગયું! મારી માન્યતાઓ થી વિરુદ્ધ પ્રથમ નંબરના એ કાચના પ્રકાશિત રૂમનું દ્રશ્ય તો મારી મનુષ્ય તરીકેની અતિ સુંદર કલ્પનાથી પણ હજાર ગણું વધારે સુંદર હતું! એ મારી કલ્પનાશક્તિની ગરીબાઈ દેખાડી રહ્યું હોય એવું લાગતું હતું! મેં અભાનતા જ, અનાયાસે જ પેલી કાળી બિલાડી તરફ પાછા વળીને એની સામે માફી, આભાર, અને પ્રેમના ભાવથી જોયું. જિંદગીમાં કદાચ પહેલી વાર કાળી બિલાડી માટે વિશેષ લાગણી થઈ. મારી અંદર કશુંક વજનદાર ઓગળી ગયું હોય એવું લાગ્યું.
પણ હવે હું કોઈપણ જાતના સેલ્ફ એનાલિસિસ કે ભદ્રંભદ્ર ફિલોસોફી કરવાના મૂડમાં નહોતી. મારી સામે જે અદભુત સૌંદર્ય હતું એની એક એક ડીટેઈલ મારે માણવી હતી, સમજવી હતી. જાણે કોઈ મોટો પ્રોજેક્ટ હોય એ રીતે! એ વિશાળ અદ્ભૂત સુંદર રૂમ ની અંદર કોઈ જ બારી નહોતી છતાંય 'નેચરલ લાઈટ' વાળો પ્રકાશ સાયન્ટિફિક રીતે રૂમમાં કઈ રીતે અને ક્યાંથી આવતો હતો એ સમજવાની મારી તીવ્ર ઈચ્છા ને મેં બાજુ પર રાખીને એ રૂમ ની અંદર એ 'નેચરલ લાઈટ' ના પ્રકાશમાં ચમકતા એક એક 'એસ્થેટિક' ને મેં ધારી ધારીને જોયા કર્યું.
હળવું, સ્વર્ગની કોઈ મીઠી ધૂન જેવું ખૂબ સુંદર મ્યુઝિક વાગતું હતું. અત્યંત ભવ્ય અને રીચ આર્ટિસ્ટિક શિલ્પો, અતિ સુંદર નિખાલસ સ્મિત કરતી 'એન્જેલિક ઓરા' વાળી (ડાર્ક વાઇન, રોઝ ગોલ્ડ, સિલ્વર, ગોલ્ડન વગેરે રંગબેરંગી હીરા માણેક જડેલા ડ્રેસ પહેરેલી) પોર્સેલીનની સફેદ પરીઓના હાથમાં ખૂબ ઝીણવટથી અને કલાથી કંડારાયેલા પોર્સેલીનના લાંબા અને સુંદર ઘાટવાળા રંગબેરંગી પોટ્સ હતા. અને એની અંદર દેશ-વિદેશથી મંગાવીને ઉગાડેલા ફૂલો-સાચા ફૂલો રખાયેલા હતા. અને એની સુગંધ! આહાહાહા! સ્વપ્નની અંદર મગજ સુગંધ પણ મહેસુસ કરી શકે છે એવો આ કદાચ પહેલો અનુભવ હતો! દિવાલો પર ખૂબ સુંદર પેઇન્ટિંગ્સ હતા; સુંદર સિલ્કી સફેદ ઘોડા, માતા સાથે રમતા નાના નાના વાછરડાઓ, કલરફુલ કાલ્પનિક પક્ષીઓ (જે કદાચ બે ત્રણ સુંદર પક્ષીઓના સંકલનની પરિકલ્પનાથી બનેલા હતા), દિવસ રાતના સ્વર્ગીય નઝારા, મનુષ્યની સત્યની દિશામાં આંતરિક ખોજની ચિત્રાત્મક કાલ્પનિક રજુઆત, સંગીતના સુરોનું પ્રકૃતિ સાથેનું તાદત્મય, અને એવા તો કેટલાય બ્રહ્માંડના અદ્ભૂત રહસ્યોને બાળ સહજ કલમથી કંડારવામાં આવેલા હતા! ફર્શ પર ખૂબ સુંદર કાશ્મીરી કલાકારીવાળી ઘેરા રંગોના રિચ વેલ્વેટ જેવા કાપડની ઝીણવટથી બનેલી શું અફલાતૂન કાર્પેટ બિછાવેલી હતી! એના પર ચમકીલા રસ્ટ કલર ના રજવાડી સોફા હતા. એની કિનારીઓમાં ઝીણી ગોલ્ડન ડિઝાઇનની વચ્ચે સુંદર મોતીફમાં વચ્ચે વચ્ચે ડાર્ક પર્પલ અને રાણી કલરના કંઈક રત્નો જડેલા હતા. અને આ 'ફેરીટેલ' જેવા રૂમની શોભા વધારનાર વધુ એક 'એસ્થેટિક' તરીકે એક સ્ત્રી ઓરેન્જ કલરની એકદમ રેશમી સિલ્કની હળવી ચાદર ઓઢીને સૂતી હતી સોફા પર! સિલ્કી ખુલ્લા પણ બહુ લાંબા નહીં એવા એના જુલ્ફ સોફાથી નીચેની બાજુએ ઢળકતા હતા અને એનો ચહેરો હું ઉભી હતી એની વિરુદ્ધ દિશામાં હોવાથી મને દેખાઈ રહ્યો નથી પણ એ દૂરથી જ અતિ સુંદર હશે એવો અંદાજ એના રૂપાળા પાતળા કોઈ શિલ્પની જેમ કંડારાયેલા હાથ અને આંટી વાળેલા અર્ધનગ્ન સુવાળા પગ જોઈને આવી રહ્યો હતો. સોફાની બાજુમાં નાનકડા કાચના ડિઝાઇનર ટેબલ પર ત્રણ ચાર પુસ્તકો ની બાજુમાં એક કાચના કપમાંથી સુંદર કેસર ઈલાયચીવાળી ચા ની સુગંધ અને વરાળ નીકળતી દેખાઈ રહી હતી. પુસ્તકના ઉડતા પન્નાઓ, સુંદર ડાયરી ની વચ્ચે રખાયેલી પેન, 'નેચરલ લાઈટ ' વાળા પ્રકાશ માં આર્ટવંચિત હોય એવા એક પણ ખૂણા વગરના, સંગીતમય એ આખા ભવ્ય રૂમની મધ્યમાં સૂતેલી સ્ત્રી સાથેના એક પૂર્ણ દ્રશ્યને હું અવાક નજરે મારી સ્વપ્નિલ આંખોથી નિખાલસભાવે જોતી રહી...
મારી નજર એ સ્ત્રીની સુંદરતા પર ધીરે ધીરે અટકી રહી હતી. એના અર્ધખુલ્લા લીસ્સા -સુંવાળા પગ, ખુલ્લા રૂપાળા કોઈ સંગીતવાદ્યના તાર સાથે તાદાત્મ્ય કરવા બનેલી હોય એવી પાતળી આંગળીઓ વાળા હાથ, કોઈક વન પીસની જેમ એમ જ વીંટાળી લીધેલી સિલ્કી ઓરેન્જ આછી રજાઈ ની નીચે એણે લગભગ કશું જ પહેર્યું ન હોવાથી દરેક સ્ત્રી-હૃદયમાં અકબંધ અને ગુપ્ત રહેલી પોતાના શરીરની આદર્શ પરિકલ્પના જેવી એની સુડોળ અને અર્ધનગ્ન શરીરરચના સ્વર્ગની કોઈ પરીઓની વાર્તા જેવી લાગી રહી હતી! અને સાથે જ મનમાં સવાલ પણ થયો કે શું આજના સમયમાં કોઈ પુરુષ ક્યારેય કોઈ સુંદર સ્ત્રીને નિખાલસભાવે કોઈ જ અતરંગી કલ્પના, અપેક્ષા, કે ઇવન પ્રેમ વગર 'માત્ર' સાક્ષીભાવે જોઈ શકે?! આ પ્રશ્ન પર ગહન વિચાર કરવાની મારી અનિચ્છાના મૂળમાં કદાચ મારા પરિચયમાં આવેલા તમામ પુરુષોના મેં ક્યારેય ન જોયેલા ચહેરા(મહોરા)ને જોવાની અનિચ્છા હોવી જોઈએ એવું લાગ્યું એક ક્ષણ માટે. પરંતુ પેલી સ્ત્રીનો ચહેરો જોવાની વધતી જતી હતી જિજ્ઞાસાને લીધે ફરી એકવાર ફિલોસોફીને પડતી મૂકી. અને એ આ બાજુ જોશે એની આશા અને અપેક્ષાએ હું ત્યાં જ રાહ જોતી ઉભી રહી.
એટલામાં તેણીએ એકદમ મારી સામે જોયું. અને મારી આખો ભયથી ફાટી રહી! કમકમાટી છૂટી ગયી, પગ ધ્રુજવા લાગ્યા, આંખે અંધારા આવવા લાગ્યા. એ ઉભી થઈને મારી તરફ જ આવી રહી હતી, મારા શ્વાસ અધ્ધર થઇ ગયા, હું અનાયાસે જ ભયથી દૂર ફેંકાઈ ગયી હોય એ રીતે બને એટલું ત્વરાથી કાચથી દૂર હઠી ગયી, પણ ધ્રુજતા પગે પાછળ હટતી વખતે હું નીચે ફસડાઈ ગયી. 'શું એ સ્ત્રી 'હું' છું! મારુ ભૂત છે! શું હું મૃત્યુ પામી છું?' મેં મારા હાથથી મારો ચહેરો, પેટ, છાતી, બેબાકળા થઈને સ્પર્શી જોયું. લાગતું તો નથી એવું! તો આ શું છે? તેણી મારી સામે જોઈને મંદ નિખાલસ સ્મિત આપી રહી છે! એ હળવા પગે મારી તરફ આવી રહી છે! શું એ આ કાચની આરપાર નીકળી જશે? હું બેચેની અને ફફડાટમાં લગભગ અર્ધબેભાન જેવી થઇ ગયી, હું ઢસડાતી જ બાજુના રૂમ તરફ ભાગી, પણ આ શું? ત્યાં પણ સેમ દ્રશ્ય! ત્યાં પણ એ જ ('હું')-સ્ત્રી મારી તરફ હસતી હસતી આવી રહી છે, હું મરણિયા પ્રયાસે મગજ ફરી ગયું હોય એમ ઉભી થઈને એના પછીના દરવાજે ગયી ત્યાં પણ સેમ! એ જ સ્ત્રી મારી મારી તરફ હસતી હસતી નજીક આવી રહી છે!
મને કઈ જ સમજાતું નહોતું, હું હાંફળી ફાંફળી થતી અત્યંત ભયથી કાપતી આગળ દોડીને જતી હતી ત્યાં રસ્તામાં મારા પગ કોઈકે મને રોકવા માટે જોરથી પકડ્યા અને હું ત્યાં જ પડી ગયી, અને ક્ષણવાર માટે જીવ નીકળી ગયો, કંપારી છૂટી ગયી ને ડરથી ચીસ નીકળવાની અણી પર જ હતી, પણ કોણ જાણે કેમ ગાળામાં જ ફસાઈ ગયી હોય એમ અટકી ગયી, નીચે જોયું તો પેલી કાળી બિલાડી હતી! મને ફરી એકવાર એના માટે નફરત, ઘૃણા અને તિરસ્કાર થઇ આવ્યા. એ કાળી બિલાડી ડરીને દૂર ખૂણામાં ખસી ગયી.
હું ફરીથી ઉભી થઈને અહીંથી જેમ તેમ બહાર નીકળવાનો રસ્તો શોધતી પેલી મ્યૂઝિયમવાળી અંધારી કતારમાં એક પછી એક રૂમ ક્રોસ કરતી ભાગતી જતી હતી, પણ આ શું! હું જેમ જેમ એક રૂમ ક્રોસ કરું તેમ તેમ લાસ્ટ માં એક રૂમ એડ થઇ જાય અને આગળથી પહેલો રૂમ ગાયબ થઇ જાય! કોઈ ગેમની જેમ રૂમ ની જગ્યા મારી સાથે સાથે ફરતી રહેતી હતી અને હું ગમે એટલું ભાગુ ટેકનીકલી ત્યાંની ત્યાં જ રહેતી હતી! અને દરેક રૂમમાંથી પેલી સ્ત્રી(ઓ) હસતી હસતી વધુ ને વધુ નજીક આવતી જતી હતી. એ હાસ્ય અત્યંત નયનરમ્ય અને નિખાલસ હોવા છતાં મને ભયંકર, ડરામણું અને બિહામણું લાગી રહ્યું હતું! મારી જ જાત પર ધીક્કાર થઇ રહ્યો હતો, એની સુંદરતા, એ સ્વપ્નિલ રૂમ, બધું જ પળવારમાં મને કોઈ હોરર મુવીના સીન જેવા લાગવા માંડ્યા! મેં ભય,ગુસ્સો, તિરસ્કારથી મારા વાળ પકડ્યા અને આવનાર દ્રશ્યને બાઘાની જેમ ઘડીક ખુલ્લી અને ઘડીક બંધ આંખે જોઈ રહી…
આ પ્રાણી છે શું?! પાછલા જન્મનું કંઈક હશે કદાચ! ક્યાંક, સમયના કોઈક એકાદ ટુકડામાં મેં કદાચ આવી કલાત્મક, વૈભવી અને સ્વપ્નિલ જિંદગી માણી હોય ને આ જન્મમાં મારો આર્ટ માટેનો લગાવ એ કોઈ ઈશ્વરની કલાબક્ષિસ નહિ પણ પાછલા જન્મના, સમયની રેખા પર અનાયાસે જ અંકાઈ ગયેલા અંતિમ લિસોટાની જેમ 'માત્ર' રિફ્લેક્શન જ હોય! હું મારા પાછલા જન્મના આખાયે અસ્તિસ્વમાંથી અણુના હજારમાં ભાગ જેવડો બ્રહ્માડમાં ભૂલથી છૂટો પડી ગયેલો કોઈ રજકણ ‘માત્ર’ હોવ! ક્ષણવાર માટે મને મારુ આખું અસ્તિત્વ કોઈ 'નાનપ' ની ભદ્દી મજાક જેવું હાસ્યાસ્પદ અને સંપૂર્ણ નિરર્થક લાગ્યું! પણ પાસ્ટ લાઈફ હોય એવું તો લોજીકલી કન્વેન્સીબલ લાગતું નથી, એમ વિચારીને માનવસહજ અભિમાનથી એ ‘અસહ્ય’ નાનપના વિચારને બહુ પ્રોત્સાહન ન આપવાનું નક્કી કર્યું. અને બીજી 'લોજીકલ' શક્યતાઓ માટે વિચારવાનું ચાલુ રાખ્યું.
અચાનક મારું ધ્યાન તેણીના પેટ પર ગયું. 'અરે! આને તો કોઈ ચરબી નથી, રુવાટી કે એક પણ વાળ નથી, સ્કિન પર કોઈ ડાઘ નથી, હાથ મારાથી પાતળા છે થોડા, વાળનો ગ્રોથ હું નાની હતી સ્કૂલમાં ત્યારે હતો એવો સરસ છે, આંખો નીચે કાળા કુંડાળા નથી. આ હું તો છું પણ એકઝેટ હું નથી! મતલબ કે આ મારું 'ઇમપ્રોવાઈઝડ' વર્ઝન છે. જેવી હોવાનું હું ઈચ્છું છું, જેવું મને લાગે છે કે મારે હોવું જોઈએ, પણ એવું હકીકતમાં અત્યારે છે નહીં! તો શું, બની શકે આ કોઈ ભૂત પ્રેત નહિ પણ પેલા હેરી પોટરના અરીસાની જેમ મારી અંદર રહેલી - ઊંડે છુપાયેલી કોઈ ડિઝાયર કે સ્વપ્ન કે ઈચ્છા હોય?! આ લોજીક તો પાસ્ટ લાઈફ કરતાંય ઓછું લોજીકલી કન્વેન્સીબલ હતું, છતાંય એ સાચું હોઈ શકે એ વાત ને પ્રોત્સાહન આપવાની મજા આવી!
પણ તરત બીજો વિચાર આવ્યો, 'હું માત્ર મારા ડરને નજરઅંદાજ કરવા માટે તો આ નવી નવી શક્યતાઓ નથી વિચારી રહી ને?! કેમ કે મને તો હજીય એ કોઈ ભૂત મારુ સ્વરૂપ લઈને મને છેતરીને કાચેકાચી ખાઈ જવા મારી નજીક આવી રહ્યું હોય એવું લાગે છે, એનું મંદ નિખાલસ હાસ્ય એ યુદ્ધ પહેલાની શાંતિ કે હલાલ થનાર બકરાની ખાતિરદારીથી વિશેષ નથી લાગી રહ્યું! 'હે ભગવાન! બની શકે તો મારુ મગજ બંધ કરો, અથવા મને આ પરિસ્થિતિ સમજાય એવું કંઈક કરો...' હું દયામણી અવસ્થામાં ભયથી પ્રાર્થનાઓ કરતી રહી, અને નજીક આવી રહેલા મારા 'સુંદર ભૂત' ને ઉંચા શ્વાસે જોતી રહી…
તેણી કાચની એકદમ નજીક આવી ગઈ અને હું આતુરતાથી જોઈ રહી હતી કે શું તે બીજી બધી ભૂત પ્રજાતિ ની જેમ ખરેખર કાચની બહાર નીકળી શકશે?! શું એ ખરેખર બહાર નીકળીને મને પતાવી દેશે?! એ મને કેટલી નિર્દયતાથી મારવાનો પ્લાન કરી રહી હશે!? એણે કાચ પર હાથ મૂક્યો... હવે ડર, તિરસ્કાર, ધ્રુજારી, બંધ મગજ બધું જ પીક પર હતું! અને એ ખરેખર બીજી બધી ભૂત પ્રજાતિઓની જેમ ધડામ કરતો કાચ ફોડીને એ બહાર નીકળી ગઈ! હજુ આ દ્રશ્યને હું જીરવી શકું એટલી સ્વસ્થ થાવ, એ પહેલાં જ બીજા બધા રૂમમાંથી પણ કાચ ફોડીને મારા ભૂતની પ્રજાતિઓ કોઈ ટોળાની જેમ એકસાથે આની જેમ જ મારી નજીક ને નજીક આવતી જતી હતી…
એ એક પણ - ઘણી બધી સ્ત્રીઓ એટલે કે ઘણી બધી 'હું' કાચની બહાર નીકળીને મારા તરફ આવી રહી હતી. મારી આંખો ફાટી રહી. અત્યંત સુંદર મૃત્યુ કરતાય બિહામણુ એ દ્રશ્ય જોઈને હું ભયાવહ રીતે ફાટેલી આંખે નીચે બેઠી બેઠી (ઉભુ થવાની કે ખસીને દૂર જવાની હિંમત નિરર્થક પ્રયાસ છે એમ માનીને) જોતી રહી. એ બધી મારી નજીક આવીને બહુ પ્રેમથી મારી આજુ બાજુમાં કુંડાળું કરીને બેઠી. એ બધીએ હળવેકથી એક હાથ મારા તરફ લંબાવ્યો. અને મારી ડરથી ચીસ નીકળી ગઈ! કદાચ ડરના લીધે ચીસ નીકળી હોય એવો મારા જીવનનો આ પહેલો અનુભવ હતો. અને એ ભયાનક ચીસ પછી ખબર નહીં કેમ થોડું હળવું લાગ્યું! કેમ લોકો કોઈ વોટરપાર્ક રાઈડમાં કે ચકડોળમાં ડરતી વખતે ચીસો પાડે છે એ આજે સમજાયું!
અને હવે એ જ એક માત્ર ઉપાય હોય એમ વધુને વધુ જોરથી ચીસો પાડવા લાગી. મારી આસપાસ કુંડાળું કરીને બેઠેલી એ બધીના મારા તરફ લંબાયેલા હાથ જરાક રોકાયા, અને જેવી મેં ચીસો પાડવાની બંધ કરી ત્યારે એ બઘીએ એકી સાથે મારા માથા પર હાથ મૂક્યા. મેં ભયથી ડોક કાચબા ની જેમ ખભા ની અંદર લઈ લીધી, માથું નીચે ઝૂકી ગયું, આખો એકદમ ચીપીને બંધ કરી દીધી, પણ આ શું!? આટલા બધા હાથ માથા પર મુકાયેલા હોવા છતાં સ્પર્શ તો મને એક જ હાથનો થઈ રહ્યો હતો! હું થોડી ખુશ થઈ કે હાશ! ગઈ બધી! હવે એક જ છે અહીંયા! મેં ખાતરી કરવા માટે ફરીથી આંખો ખોલી ને જોયું તો એ બધી ત્યાંની ત્યાં જ હતી! અને એ બધીના હાથના સ્પર્શ પણ અનુભવાવા લાગ્યા લાગ્યા! ફરી મને ધ્રાસકો પડ્યો! મેં અનાયાસે જ ડરીને હૃદય પર બંને હાથ મૂક્યા, અને આંખો ફરી બંધ કરી તો ફરી એ જ અનુભવ - એક જ હાથના સ્પર્શવાળો! 'આલેલે! આ તે કેવું!?' મેં ફરી આંખો ખોલી તો એ બધા હાથ કોઈ બાળકને સુવડાવતી હોય એમ મારા માથા પર ફરતા અનુભવાય રહ્યા હતા. ફરી આંખો બંધ કરી તો એક જ હાથનો સ્પર્શ અનુભવાઈ રહ્યો હતો! આ ડરામણી રમતમાં ઘડીના એકાદ ભાગ માટે મને જરાક મજા પડી ગઈ! અને મેં આંખો ખોલ-બંધ-ખોલ-બંધ કર્યા કર્યું! એક હાથ-ઘણા હાથ-એક-ઘણા!
જરાક હિંમત આવતા મેં તેણીને જરાક બોસની જેમ કડકાઈથી પૂછ્યું, 'તું કોણ છે!?' અને જવાબ સાંભળવા માટે મારી સામે જે બેઠી હતી એની સામે જોયા કર્યું. એ બધીએ ગુસ્સાથી મારી સામે મારી આંખમાં જોયું. મેં પૂછીને પ્રશ્ન કોઈ ભૂલ કરી હોય એવું લાગતા ડરામણી આંખે એ બધીની સામે માફી ભાવે જોયું. અને ડરથી આંખો બંધ થઈ ગઈ અને ફરી આંખો ખોલી ને જોયું તો એ એ બધીની સંખ્યા હતી એનાથી પણ ડબલ થઈ ગઈ! મને વધારે હાથ અનુભવવા લાગ્યા. અને એટલું જ નહિ એ બધીની ઉંમર પણ ડાયરેક્ટ ડબલ થઈ ગઈ હતી!
હવે મને ડરની સાથે સાથે ગુસ્સો પણ આવી રહ્યો હતો મેં ઓચિંતાનો બીજો પ્રશ્ન પૂછી નાખ્યો - પુછાય ગયો, 'મને કેમ હેરાન કરો છો?' હવે એ બધીની આંખમાં આ પ્રશ્ન સાંભળીને લોહી ધસી આવ્યું હોય એમ એ બધીના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા, અને પ્રેમથી માથામાં ફરી રહેલા એ બધા હાથ પાછા ખેંચાઈ ગયા. આ પ્રશ્નથી એ બધી ને કોઈક વાતે અનાયાસે જ મેં કોઈ મોટી ઠેસ પહોંચાડવાની ભૂલ કર્યા જેવું ફરી લાગ્યું. અને એનું ભયંકર પરિણામ આવી શકે એની શક્યતા બાબતે મારી જાત પર તિરસ્કાર થતા, માથું ખંજવાળતા ડરીને આંખો બંધ કરી અને ફરી ખોલીને જોયું તો એ બધી ની સંખ્યા ડબલ કરતાં પણ ડબલ થઈ ગઈ હતી અને ફરીએકવાર એમની ઉંમર પણ ડબલ થઈ ગઈ હતી! માથામાં ગ્રે વાળ આવી ગયા હતા, ચહેરા ઉપર કરચલી પડી ગઈ હતી, શરીર ઉંમરના લીધે નિસ્તેજ દેખાઈ રહ્યું હતું, અને ચહેરા પરનું નુર આછું થઈ ગયું હતું. એ ઝીણી થઈ ગયેલી આંખોમાં અપાર ગ્લાની અને સમયની થપાટો ની પીડા દેખાઈ રહ્યા હતા. એ સફેદ વાળ, નિસ્તેજ ચહેરો, ઝીણી નીરસ આંખોમાં મને મારું વૃદ્ધત્વ દેખાવા લાગ્યું. 'શું હું વૃદ્ધ થઈશ ત્યારે આવી દેખાઈશ?!' મને મારા ક્ષણભંગુર જીવનની ઝાંખી થવા લાગી, સુંદરતા મીણની જેમ પીગળતી જતી - ઓલવાતી જતી દેખાઈ રહી હતી…
ફરી એકવાર મારી અંદર કશુંક નક્કર ખળભળી રહેલું અનુભવી રહી હતી, પેલી વારંવાર વોચમાં જોઈ રહેલી - ફફડતી કામ કરી રહેલી યુવતીને જોઈને ખળભળ્યું હતું એવું કંઈક, મારા પગના સ્કૂલના શુઝ ઓફિસના સૂઝમાં બદલાઈ ગયા છે એ હકીકતનું અચાનક ભાન થયું ત્યારે ખળભળ્યું હતું એવું કંઈક, મમ્મી ક્યાં ગઈ, ક્યારે લાઈન માંથી નીકળી ગઈ એ રીયલાઈઝ થયું ત્યારે ખળભળ્યું હતું એવું કંઈક, પહેલી વાર આ રૂમ ની ભવ્ય સુંદરતા જોઈને ખળભળ્યું હતું એવું કંઈક... મેં ફરી એકવાર મારી સામે બેઠેલા નિસ્તેજ અને વૃદ્ધ થયેલા મારા જ ઘણા બધા અસ્તિત્વોને રાત્રિના કોઈ વિરાટ કાળા સમુદ્રની અંદર પ્રકાશના કોઈ થરકતા ઝબકતા જઈને લુપ્ત થઈ રહેલા બિંદુઓની જેમ જીવનની અંતિમ ક્ષિતિજે જઈ રહેલા જોયા...
ફરી એક વખત પ્રશ્ન પૂછીશ તો શું થશે!? આ ઘણી બધી હું શું હવે મૃત્યુ પામશે!? મતલબ હું આમાંથી છૂટી જઈશ!? શું એના મૃત્યુ પામવાથી હું મૃત્યુ પામીશ?! શું હું ઓલરેડી મૃત્યુ પામી છું?! શું હું છું!? મારી પાસે આમાંથી એક પણ જવાબ ન હોવાથી, પ્લસ હવે મને એ બધીનો કોઈ ખાસ ડર પણ ન રહ્યો હોવાથી મેં એક ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, "શું હું આપને કોઈ મદદ કરી શકું!?" અને મેં આંખ બંધ કરી. ફરી કંઈક અણધાર્યું જ થયું હશે એની અપેક્ષા અને પૂર્વધારણા સાથે આંખ ખોલી. પણ આ શું! એ બધી પાછી થોડીક ઉંમરમાં નાની થઈ ગઈ અને એમની સંખ્યા પણ અડધી થઈ ગઈ હતી! મને થોડું ઘણું કશુંક સમજાયું - ના સમજાયું હોય એવું લાગ્યું અને ઉત્સાહથી મેં વધુ એક કોશિશ કરવાનું વિચાર્યું.
વિચારીને બીજો પ્રશ્ન - ના પ્રશ્ન નહિ આ વખતે દિલાસો આપ્યો, "તમે મને જણાવી શકો છો. મને તમારા પર ભરોસો છે" અને થોડું ઘણું કંઈક ડીકોડ કરતા આવડ્યું હોય એમ મેં આંખ બંધ કરી અને ફરીથી એ કોમળ હુંફાળી પાતળી આંગળીઓનો સ્પર્શ મારા માથામાં મેં અનુભવ્યા કર્યો. મને પહેલી વાર એ સ્પર્શ કોઈ જ જાતની છેતરપિંડી કે અપેક્ષા રહિત સંપૂર્ણ નિખાલસ છે એવી ક્ષણિક ભ્રાંતિ થઈ. હળવેકથી મેં આંખો ખોલી હવે બધીની સંખ્યા શરૂઆતમાં જેટલી હતી એટલી થઈ ગઈ અને ઉંમર પણ શરૂઆતમાં હતી એટલી થઈ ગઈ! આંખ ખુલ્લી હોવાથી ઘણા બધા હાથનો સ્પર્શ થઈ રહ્યો હતો. મેં નિરાંતે એ બધી ને જોયા કર્યું. એ ઘણા બધા હાથના હુંફાળા સ્પર્શ, એમની ચમકતી સ્વપ્નિલ આંખો, સુંદર શરીર રચનાઓ, સિલ્કી વાળ, અને રેશમી ઓરેન્જ રજાઈમાં અર્ધનગ્ન અથવા અર્ધઆવરિત અસ્તિત્વ!
મે હળવેકથી હવે આનાથી પણ આગળ શું થઈ શકે એ જાણવાની આતુરતાથી એ બધી માંથી કોઈ એક જે મારા ચહેરાની સામે બેઠેલી હતી એની આંખોમાં નીડરતાથી પણ પ્રેમથી જોઈને કહ્યું, "તું સુંદર છે" અને એણે ચમકીને જરાક હસીને મારી સામે જાણે કોઈ જાદુ કરવા જઈ રહી હોય એમ જોયું! આશ્ચર્ય!!! હવે એ બધી માંથી એક જ દેખાઈ રહી છે! આશ્ચર્યથી મારા ડોળા બહાર આવી ગયા. ભવા ઊંચા થઈ ગયા અને ઝીણી આંખે મેં તેણી સામે જોયા કર્યું. એક વખત ખાતરી કરવા માટે આંખ બંધ કરીને ફરી ખોલી જોઈ. મારી સામે હવે એક જ ‘હું’ હતી એ જોઈને કોઈક જટિલ કોયડો ઉકેલી નાખ્યા જેવી રાહત થઇ! મેં આગળ શું થઈ શકે એની રાહ જોતી હોય એમ એની સામે આતુરતાથી અને આશ્ચર્યથી જોયા કર્યું...
એના વાળ ધીરે ધીરે પાતળા અને પહેલાથી જરાક બરછટ થઈ રહ્યા હતા. હાથ થોડા જાડા થઈ રહ્યા હતા, ચહેરા પર આંછી આછી રુવાટી આવી રહી હતી, જુના ખીલના ડાઘ, અછબડાના લીધે થયેલા નેણ પરના ખાડા, આંખ નીચે ડાબી બાજુ ભૂરો તલ, અને ગાલ પર ચરબી ઉપસી રહી હતી, હાથ-પગ-પેટ પર પણ રુવાટી આવી રહી હતી ને પેટ પર અને કમર પર ચરબીના લીધે થયેલા નિશાન, સાથે સાથે જમણી કમર પર ના તલ ના નિશાન આ બધું ઉપસી રહ્યું હતું. એક એક પર્ત ઉપસતી જતી હતી અને હું મનોમન હસતી જતી હતી! હસતા હસતા મેં હળવી મજાકમાં કહ્યું, "હા! આપણે આવા લાગીએ છીએ હકીકતમાં!" તેણી પહેલા કરતા થોડા ઓછા આત્મવિશ્વાસ અને ક્ષોભ તથા સંકોચથી જાણે સામેવાળી વ્યક્તિને કશુંક અણગમતું કર્યાના અપરાધભાવે અને હું શું વિચારીશ એ ઉકેલવા મથી રહી હોય મારી સામે જોઈ રહી હતી. મને પહેલીવાર એના ચહેરા પરની નિખાલસતા અને ક્ષોભથી ઝંખવાણી પડી ગયેલી બાળસહજ મુદ્રા પર અજાણતા જ કરુણા જેવા ભાવ થઈ આવ્યા.
મેં તેણીનો હાથ મારા હાથમાં લીધો અને હમણાં જ બદલાયેલી સુંદર પાતળી પણ સાંધાઓમાંથી જરાક ઉપસેલી આંગળીઓવાળા હાથને હસીને મારા હાથમાં લીધો. તેની સ્વપ્નિલ-ચમકતી ન બદલાયેલી આંખોમાં જોઈને ફરી એકવાર હૃદય પૂર્વક કહ્યું, "તું ખૂબ જ સુંદર છે. આ પ્રામાણિકતા તને પહેલાથી પણ વધુ સુંદર બનાવે છે..." એના અસ્તિત્વમાં ચેતના જેવું કંઈક જાગી રહ્યું હોય એવું એની નિર્મળ આંખોમાં વંચાઈ રહ્યું હતું. એ હળવાશથી એના અસ્તિત્વની એક એક કૂંપણ પ્રકૃતિના આવાહન ની જેમ ઉઘાડતી જતી હતી...
આરપાર વીંટાળેલી ઓરેન્જ રજાઈ વધુ ને વધુ આછી (લગભગ નહિવત) થઇ રહી હતી. મને એના ડાબા હાથની બાયના નીચલા ભાગે લીલા દાંતના નિશાન દેખાવા લાગ્યા, એના કાંડા પરના સીધા લીટા જેવા ઘણા બધા ઉઝરડા દેખાવા લાગ્યા, આંખ નીચેથી ચાલુ કરીને ગાલ પર અને પગના સાથળ પર નખથી કરાયેલા ભરોડો જેવા સીધા લાંબા નિશાન દેખાવા લાગ્યા. એની સોજેલી આંખના પોપચાઓની સાથે અસ્તિત્વની ઉઘડતી જતી એક એક કૂંપણ મારી હતાશા, ક્રોધ, ઘૃણા, નિષ્ફળતાઓની નિશાનીઓરૂપે એક એક કરીને સમયની રેખાઓ ની જેમ અંકાતી જતી હતી અને એની એ ન બદલાયેલી સ્વપ્નિલ અને નિર્મળ આંખોમાં ઊંડા ઊંડા પ્રશ્નાર્થ બનતી જતી હતી. હું ક્ષોભ, કરુણા અને પશ્ચાતાપના ભાવથી એની આંખોમાં વધુ ને વધુ ઘેરા બનતા જતા પ્રશ્નાર્થ ને જોઈ રહી હતી.
હંમેશા અવગણાઈને નિર્દયતાથી છેક ઊંડે સુધી ધરબી દેવાયેલા પડઘાઓ મને કોઈ હાકોટાઓની જેમ સંભળાવવા લાગ્યા. ક્યારેય ન નીકળેલી ચીસો મને જોર જોરથી સંભળાવા લાગી, એક અજાણ્યો ડર - (આ રૂમમાં પ્રવેશતી વખતે જે બે પ્રકારના ડરનું એનાલિસિસ કરેલું એનાથી તદ્દન જુદો) અને અત્યંત તીવ્ર ડર જે મારા સંપૂર્ણ અસ્તિત્વને મૂળમાંથી ધમરોળી રહ્યો હતો. મારી નજર હજુ એ નિશાનીઓ પર અટકેલી હતી. દરેકે દરેક રેખા એના અનુસંધાને ચીપકેલા સમયને કોઈ ટાઈમટ્રાવેલના પન્ના ની જેમ આત્યંતિક રીતે મારી ભીતર ઉથલાવતી જતી હતી. હું ડર અને અતિ તીવ્ર સંવેદનાઓના મહાયુદ્ધમાં બેચેન, અઘીરી, હતપ્રત અને વધુ ને વધુ બેબાકળી થતી જતી હતી. હૃદયના ધબકારા વધી રહ્યા હતા. કોઈ જાડો અજગર જોરથી ભીંસીને પકડી રાખે અને એની પકડમાંથી છૂટવા માટે તરફડિયા મારતી હોય એવી ગભરામણ થઈ રહી હતી. શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. મેં અસહ્ય ભય (મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ભય પણ અસહ્ય હોઈ શકે!) થી જાત પર કાબુ ગુમાવી દીધો હોય એમ આંખ ચીપીને જોરથી માથું ફાટી જાય એવી લાંબી ચીસ પાડી. એ ચીસ ધીરે ધીરે આક્રંદ બની રહી હતી, કલ્પાંત બની રહી હતી…
મેં મારા કાન પરથી બે હાથ હટાવીને મારા હૃદય પર મૂક્યા અને તેણીના ખોળામાં પશ્ચાતાપ, માફી, સ્વીકાર એવા કેટલાય ભાવ સાથે માથું મૂક્યું અને મારી જાતને સંપૂર્ણ સહજ સ્વીકાર સાથે ઓગળવા દીધી. હું તેણી સાથે પ્રકાશના બિંદુઓની જેમ એકરૂપ થઈ રહી હતી - અને મારી જાત સાથે પણ...
કોઈ નક્કર સત્યની આભા નીખરી રહી હતી, જીજીવિષા કોઈ ફ્રેશ કૂંપણની જેમ પાંગરી રહી હતી, ચેતના ચિત્તની એક એક પર્તને સ્વચ્છ કરી રહી હતી, એક નવી અને સુંદર દ્રષ્ટિ અસ્તિત્વને બાળસહજ કુતુહલથી નવોન્મેષ સાથે જોઈ રહી હતી... મેં આંખો બંધ કરી. આંસુ જાણે મારા અસ્તિત્વને શુદ્ધ કરી રહ્યા હતા. હું કદાચ જિંદગીમાં પહેલીવાર કોઈ જાતની નાનપ કે ક્ષોભ વગર રડી રહી હતી અને આંસુની પવિત્રતાની કિંમત સમજી રહી હતી.
મેં આંખો ખોલી અને હું ઊભી થઈ. તેણી ત્યાં ન દેખાઈ! મને ક્ષણ માટે ધ્રાસકો પડી ગયો અને કશુંક હંમેશા માટે છૂટી ગયું હોય એવું લાગ્યું. મેં આજુબાજુમાં જોયું ઘણા બધા રૂમની જગ્યાએ હવે માત્ર એક જ રૂમ દેખાઈ રહ્યો છે અને એ પણ આખો ખાલી છે! ‘નેચરલ લાઈટવાળો’ પ્રકાશ આવી રહ્યો છે અને એ પ્રકાશ જ્યાંથી આવી રહ્યો હતો એ બારી પણ હવે આ રૂમ સ્વચ્છ અને ખાલી થઈ જવાના લીધે દેખાઈ રહી હતી. એ બારીને પેલે પાર સુંદર પક્ષીઓના સંગીતમય અવાજ, કોઈ કોઈ પહાડ પરથી ખડખડ કરતું સતત વહેતુ રહેતું નિર્મળ ઝરણું, પહેલા પ્રહરનો ઊગી રહેલો સૂર્ય અને સૂર્યના સુંદર પ્રકાશમાં લાંબા સમયથી સુસુપ્ત રહેલું મારું અસ્તિત્વ પણ ફરી એકવાર જાણે જાગી રહ્યું હતું...
મને તેણી ત્યાં દેખાઈ રહી નહોતી પરંતુ એની હાજરી ભીતરમાં મહેસુસ થઈ રહી હતી, એની સુગંધ મહેકી રહી હતી, મેં તેણીનો મનોમન આભાર માન્યો. ઊંડો શ્વાસ લીધો, આંખો બંધ કરીને ભીની આંખે ફરી એકવાર 'હું જે છું' તેના માટે પ્રકૃતિ સાથે સંલગ્ન થઈને પ્રકૃતિનો આભાર માન્યો...
આંખો ખોલી ત્યાં પેલી ખૂણામાં ડરીને છુપાઈ ગયેલી કાળી બિલાડી તરફ મારું ધ્યાન ગયું. મેં એના તરફ દિલગીર ભાવે જોયા કર્યું. એ જાણે કશુંક સમજી ગઈ હોય એમ દોડીને મારી નજીક આવી ગઈ અને મારી આંખોમાં જોઈ રહી હતી. એની આંખોમાં મારી ભીતરના ક્યારેય ન નીકળી શકેલા (મારી નાહિંમતના લીધે) અને અનાયાસે જ કાળા શૂન્યમાં ગરકાવ થઈ ગયેલા રંગો દેખાઈ રહ્યા હતા, જાણે એની આંખો એ તમામ રંગો ફરી એકવાર નીખરી શકે છે એની શક્યતાઓ બતાવી રહી હતી! જાણે એ મને એના પર ભરોસો મૂકવા કહી રહી હતી. મેં એના માથા પર વહાલથી હાથ ફેરવ્યા કર્યું. એ કૂદીને મારા ખોળામાં આવી ગઈ. મેં હસીને બંને હાથથી એને આલિંગન આપ્યું અને એને ઊંચકી લીધી - હવે પછીની સફરમાં મારી સાથે રાખવા!
…કેમ કે એ જ સાચી દિશાસૂચક છે!
"Embrace your dreams, for it leads you to your true self."
- Twocuptea
Source: Pinterest