એકાદ વર્ષ પહેલા - કદાચ પાછલી દિવાળીએ 'મેઈન' રૂમમાં 'સમાજમંગલ' પડેલી હતી. બીજી એકાદ સેલ્ફ હેલ્પ બુક્સની વચ્ચે ક્યાંક. જીજી અને જીજુ ઘરે આવ્યા - જીજુ એ આવીને તરત બુક હાથમાં લીધી અને હીંચકા પર બેઠા. 'બેઝિક' આવો બેસો જય શ્રી કૃષ્ણ પત્યાં ત્યાં સુધીમાં તો એમણે બુકના કવર ને ધારી ધારીને જોયા કર્યું. પછી હું પાણી લેવા કિચનમાં ગઈ ને પાછી આવી ત્યાં સુધીમાં એમણે બુક ખોલીને પાના ફેરવવાનું ચાલુ કર્યું, અનુક્રમણિકામાં વિષયો જોઈને એકાદ વિષય ખોલીને વાંચવા માંડયું. એકાદ પૅરેગ્રાફ સુધી વાંચ્યું અને ત્યાં સુધીમાં ધીરે ધીરે પાણીનો ગ્લાસ પતાવીને મને આપ્યો, હું ત્યાં જ ઊભી હતી ગ્લાસ પરત લેવાના બહાના સાથે મારે એ જાણવું હતું કે એમણે કયો વિષય ખોલ્યો? શું એ મેં વાંચેલા ફાધર વાલેસના બેસ્ટ વિષયોમાંથી અથવા કહો કે મને અતિશય ગમેલા વિષયોમાંનો એકાદ હતો? એમણે બુક બંધ કરીને ગ્લાસ આપતા મારી સામે જોયું અને મને હતું કંઈક બોલવા જશે, અને હું ફાધર વાલેસ કેટલી અદભુત વ્યક્તિ હતા એ સાંભળવાની રાહ જોતી હતી - અધિરાઈથી (ખાતરીપૂર્વક!). પણ એ એવું કશું બોલ્યા નહિ, બુક બંધ કરીને પાછળના કવર પર લખેલું કશુંક વાંચતા હતા, હવે મને અધિરાઈ થઇ આવી ફાધર વિશે એમને શું લાગ્યું એ જાણવાની, એટલે હું કંઈક બોલવા ગઈ પણ અટકી ગઈ - એ શંકા સાથે કે રખેને વાતો - વાતોમાં એ મારી પાસે થોડા દિવસ વાંચવા માટે બુક માંગી લે તો!
અને જો એમ થાય તો હું ના પાડી શકું નહિ કેમ કે એમની પાસેથી એક બુક વાંચવા લીધેલી ('એક્ચુલી' બે) એ હજુ આપી નથી. અને થોડા સમય પહેલા જ એમના ઘરે એ બુકની એક કૉરી - નવી નક્કોર નકલ જોઈ'તી - તો હવે પ્રેક્ટીકલી એમને એ બુકની (મને વાંચવા આપેલી કોપી ની) કોઈ જરૂર નથી એમ મેં મારી જાતે જ માની લીધું, અને પાછી આપવાનો વિચાર (માત્ર!) આવેલો, એ પણ માંડી વાળ્યો. હા, હું એવું કરું છું ઘણીવાર (ખાલી બુક ના કેસમાં જ!). મારી એક દોસ્તને મેં 'મેં ભગવાન ને લખેલા પત્રો' નામની સરસ નાનકડી હેન્ડબુક હજુ પાછી આપી નથી (એનું અસલી ટાઇટલ 'બાળકો એ ભગવાન ને લખેલા પત્રો' એવું કંઈક છે પણ મને 'મેં' એવું યાદ રહી ગયેલું છે ભૂલથી.) અને બીજી એક વિનોબા ભાવેએ એમના જેલવાસ દરમિયાન આપેલા ગીતા પ્રવચનોના સંગ્રહ વાળી બુક પણ પાછી આપી નથી, એ વાતને છ વર્ષ કે કદાચ સાત વર્ષ થઇ ગયા છે તો એ હવે ભૂલી ગઈ હશે તો આપવાની જરૂર નથી, અને એને કદાચ યાદ પણ હોય તો હવે એણે એ માટેની આશા છોડી દીધી હશે એવો વિચાર કરીને એ દોસ્તને એ બુક્સ પાછી આપ્યા - ન આપ્યાનો કોઈ રંજ કે તકલીફ નહી હોય એવો સ્વાર્થી અને નકામો તર્ક લગાવીને બુક પાછી 'ન' આપ્યાનો સંતોષ અનુભવ્યો. અને ફાધર વાલેસ ના અદભુત લખાણો વિશે વાત કરવાનું માંડી વાળ્યું, અને મહેમાનવિધિના આદર સત્કાર ભાવરૂપે (બહાનારૂપે) 'પથારો' સંકેલવાના બહાને એ બુક ત્યાંથી ઉપાડીને 'અંદરના રૂમ' માં મૂકી આવી.
*
ક્યારેય કોઈ શિક્ષકે તમને કહ્યું કે ગણિતમાં 'સેટ' ને 'ગણ' શા માટે કહેવાય છે?! ફાધર વાલેસ કહે છે ગણેશજી કલેન (ગણના) ભગવાન છે એ પરથી 'સેટ' ને 'ગણ' કહેવાયું! હા, ઘણા ઓછા લોકોને ખબર હશે ગણિતના શિક્ષક પણ હતા ફાધર! આ 'ગણ' ના કન્સેપ્ટ વ્યાખ્યાયિત રીતે સમજવાની મથામણ કરવા બીજીવાર એણે કહેલા વાક્યને વાંચવા લાગી, એ હળવી રોમાંચક વ્યાખ્યાને બીજીવાર એ જ રીતે વાંચવાની ઈચ્છાએ આવા શિક્ષકના સ્ટુડન્ટ ન હોવાનો આંશિક રંજ પણ જન્માવ્યો. હું એમની આ સરળ-ફન વૃત્તિથી પ્રભાવિત થઇ. ગાંધીજી જેમ કાકા કાલેલકર ને 'સવાયી ગુજરાતી' કહેતા એ રીતે ફાધર વાલેસ ને પણ ઘણા લોકો પ્રેમથી 'સવાયી ગુજરાતી' 'કહેતા' એ તો ખબર હતી પણ આ ગણિતજ્ઞાન વિશે ખાસ જાણવા મળ્યું એની ખુશી થઇ!
ફાધર વાલેસને 'સમાજમંગલ' માં 'ચાંદલો' વિશે વાંચ્યા પછી થયું કે હા ચાલો બ્રહ્માંડ, જીવન, અસ્તિત્વ, દાન, પુણ્ય, માણસ હોવું, સંસ્કૃતિ, સેવા, પ્રેમ, સમાજ બધા વિશે ખૂબ વાંચ્યું, ચિંતન કર્યું, પણ ચાંદલો?! ફાધરે લખેલું 'હતું' - ચાંદલો એટલે 'ભાગ્યની રેખાઓ પર મંગળનું સૂચક!' જીવનમાં અનિશ્ચિતપણે આવતા નિશ્ચિત વળાંકો અથવા નિશ્ચિતપણે આવતા અનિશ્ચિત વળાંકો અને કહેવાતા નસીબ નામના રસ્તાઓ પર મનુષ્યએ ચાલવું જ રહ્યું - એ મનગમતું હોય તો ય શું ને ના હોય તો ય શું? એ નસીબ-ભાગ્યની સતત બદલાતી ગતિ મનુષ્યના કહેવાતા 'મનોબળ' ને જરાક સંકોચે, નિર્બળ બનાવે જરાક ભાંગે; તોડે; ત્યારે આ નાનકડું લાલ ટપકું કપાળ પર 'નિશ્ચિત' ભાગ્ય પર મંગળનું એક ટીપું મૂકીને જે આશા જગાવે એ આશા-માંગલ્ય સ્ત્રીનો(કે પુરુષનો) સાચો શૃંગાર છે - અને એનું પ્રતીક એટલે ચાંદલો! એમને એમની જ ભાષામાં વાંચવાનું તમને વધુ ગમશે. કેમ કે ફાધર એટલું સાહજિક અને સરળ 'લખતા' કે લખનારની કોઈ વિશેષ વધુ કન્ફ્યુઝ કરનારની ફિલસૂફીના બદલે ચાની ચુસ્કીની જેમ હળવે હળવે ઉતરતી જાય ને વાંચકને એનો કેફ ચડ્યાંનો અણસાર સુદ્ધા ના આવે! ફાધર ઘણી વાર એક લીટીનો(અરે એકાદ શબ્દનો જ કહોને!) પેરેગ્રાફ લખે ને પાછુ ત્રણ ટપકાંવાળા કશુંક વિચારતા કરી મૂકવાના કે 'અધૂરી વાર્તા વાંચક તરીકે પુરી કરો' ના ઓર્ડર સાથે નહી પણ ફુલ-પૂર્ણ-સ્ટોપ-વિરામ સાથે. જ્યાં વાચક આપમેળે વિરામ લઇને ધરાર મનન કરવા લાગે ને 'પોતે કેમ આવું કદી વિચાર્યું નહિ!' ના ભાવ સાથે 'પ્રસન્ન' થાય! ફાધરને વાંચીને એમ થાય કે સાચો લેખક એ કેટલી ગૂઢ વાતને કેટલી ઊંડાણપૂર્વક કેટલી સહજતા સાથે કેટલી સરળતાથી કરે છે એના પરથી નક્કી થાય છે!
*
ખેર! સવારે ફાધર વાલેસ હવે આ દુનિયામાંથી કોઈ બીજી-કદાચ આનાથી વિશાળ દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા છે એવું વાંચ્યું અને ફાધર હજુ 'જીવતા હતા(!)' એનો રંજ એમના હવે ના હોવાના સમાચાર કરતા વધુ થયો! થોડી ક્ષણ માટે થયું 'કાશ! ખબર હોત એ હજુ જીવે છે!'
*
ઘણા ગુજરાતી ક્વોટ્સ જયારે નાના હતા ત્યારે બોર્ડમાં લખતા અને સાથે ડેસ કરીને લેખકનું નામ લખતા, ત્યારે નામ પરથી અંદાજ આવતો કે લેખક 'અહીંના' છે કે 'બહારના'? જો અહીંના હોય તો આ એમણે પોતે લખેલું હશે, પણ બહારના હશે તો આ ક્વોટ અનુવાદ કરેલું હોવું જોઈએ. એટલે 'ફાધર વાલેસ' પણ 'આઈન્સ્ટાઈન' કે 'માર્ક ટવેઇન' ની જેમ બહારના કોઈ મહાન વ્યક્તિઓમાંના એક હોવા જોઈએ એવું હતું! ઘણી મોડી ખબર પડેલી કે આ લેખો એમણે 'પોતે' લખેલા છે!
વાત એમના ગુજરાતી હોવાની નથી - વાત એક વ્યક્તિ તરીકે અદભૂત સરળ હોવાની છે! કેટલું નિર્મળ વ્યક્તિત્વ! આજકાલ લોકો 'પોઝિટિવિટી' ના મન પડે તેવા ઢંઢેરા પીટ્યા કરે છે અને ક્યારેક તો એટલી હદ કરે કે એ પોઝિટિવિટી નો આખો કન્સેપ્ટ જ નેગેટિવ લાગે! ત્યારે ફાધર વાલેસને વાંચવું જીવનના અપ્રોચને શૃંગાર કરવા જેવું લાગે! નવી વહુ સવારમાં સુંદર તૈયાર થઈને પોતાના શૃંગારથી પોતે જ પ્રસન્ન થાય એ રીતે ફાધરને વાંચ્યા પછી જીવન માટેના અભિગમો જરાક શૃંગાર ધારણ કરે, અને મન એ પોતાના જ શૃંગારથી પોતે પ્રસન્ન થાય! ખેર! ડીઅરેસ્ટ ફાધર વાલેસને હૃદયથી વંદન!
* * *
આજે સવારે જ ફરી પેલી 'ફાધર વાલેસ' વાળી વેબસાઈટ જોઈ. (હા, એ હજુ એક ટેબમાં ખુલ્લી જ હતી, હજુ બંધ કરવાનો જીવ ચાલ્યો નહી.) એટલે લેપટોપ ખોલતા જ પ્રથમ નજર એના પર ગઈ અને વેબસાઈટમાં ખાખાખોળા કરતા 'બોલતાં' ફાધર વાલેસ મળ્યા! પહેલા તો હતું ખાલી ફોટોસ કલેક્શનનો વિડીયો હશે, કેમ કે ફાધર વાલેસની બચપનથી જ એવી છાપ કે ફાધર વાલેસ ને પણ લોકો ગાંધીજીએ જેમ કાકા કાલેલકર ને 'સવાયા ગુજરાતી' કહ્યા એમ પ્રેમથી 'સવાયા ગુજરાતી' કહે છે, એટલે એ પણ ગાંધીજીના અરસાના વ્યક્તિ અને એટલા માટે હજુ સુધી એમનું પણ હયાત હોવું શક્ય નહી હોય (ના જ હોય ને!) એટલે ક્યારેય એમના જન્મ-નિધનની તારીખો જોવાની તસ્દી લીધી જ નહી અને એમને વાંચ્યા કર્યા અને મમળાવ્યા કર્યું કે, 'શું અદ્ભૂત વ્યક્તિ 'હતા!' અને એવામાં બોલતા-ચાલતા ફાધર વાલેસ યુ-ટ્યૂબ પર મળશે એવું તો સ્વપ્નમાંયે નોતું વિચાર્યું! એટલે એમને બોલતા-ચાલતા વાતો કરતા જોઈને તો અદ્ભૂત 'પ્રસન્નતા' થઇ! ઘણી વાતો કરી એમણે! વાતો-વાતોમાં એમણે કહ્યું કે એમનો લખવાનો આશય માણસને એટ લીસ્ટ વાંચે ત્યા સુધી 'પ્રસન્ન' (આ એમનો પ્રિય ગુજરાતી શબ્દ છે!) થાય - એમને આ જીવન જીવવા જેવું લાગે - એ 'રાહત' અપાવવાનો છે!
અને અનાયાસે જ 9th Nov વાળી ગોષ્ઠીમાં મે પણ મારા ફાધર વાલેસને વાંચવાના અનુભવને 'પ્રસન્ન' શબ્દ આપ્યો છે! અને એ પણ સિંગલકોમાની અંદર! એ શબ્દને ભારથી - સ્પેશિયલ રીતે અલગ પાડવા! અને આ પૂરતુ છે એ સમજવા અને સ્વીકારવા માટે કે ફાધર વાલેસે કેટલી સાર્થકતાપૂર્વક - સફળતાપૂર્વક એ ભાવ 'ખરેખર' જગાવ્યો છે વાંચકો પર!
એમણે છેલ્લે એ પણ કહ્યું કે એ ઈ-મેઈલના જવાબો આપે છે! આ સાંભળીને થોડીવાર માટે નોર્મલ વાત સાંભળતી હોવ એમ કંઈ અસર ન થઇ, પણ પછી પેલો 'એ હયાત 'હતા' વાળો ભાવ ફરી એકવાર જોરથી ચીસો પાડવા લાગ્યો! આની પહેલાંય 'સમાજમંગલ' વાંચતી વખતે હેપી સાથે એક કલાક આઈન્સ્ટાઈન અને જીવનનો અભિગમ પર વાતો કરી હતી (ફાધર વાલેસે બહુ સુંદર રીતે એ વાત - 'બે પગાં જંતુઓ' માં કરી છે!) ત્યારે પણ વાતોમાં અમે બંને સતત 'હતાં' - શું સુંદર 'લખતાં' આવા જ વાક્યપ્રયોગો કર્યા કરતા! પણ ખબર નો'તી!
પણ પછી મન મનાવવા - જીવનની આ અતિ અફસોસવાળી ક્ષણને કોઈકને કોઈક રીતે સ્વીકારવા લુખ્ખું આશ્વાસન ધારણ કર્યું, 'ખેર! હશે! નહી હોય સંપર્ક નસીબમાં!' અને આ વાક્ય પત્યાંની સાથે જ આંખો ભીની થઈ ને પછી રીતસર રડવું આવ્યું! હા, કોઈ સંત ના નિધન વખતે 'મૃત્યુનો શોક' ન થાય પરંતુ કોઈ પ્રિય દોસ્ત જાણે 'વિદેશ' જઈ રહ્યો હોય અને આપણે એમને વળાવવા-વળાવતી વખતે જે રીતે રડીએ એ રીતે રડવું આવ્યું! રડતા-રડતા જેમ એ દોસ્તને આપણે એમના મંગળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીએ, એવું જ કંઈક ભીતર માં પ્રિય ફાધર વાલેસ માટે થયું!
જાણે પ્રિય દોસ્ત (હા, પ્રિય લેખકો પ્રિય દોસ્ત જેવા જ લાગે!) 'જીવન' નામના દેશમાંથી કોઈ અનંતની સફરે હંમેશા માટે જઈ રહ્યા છે. કહેવાતા મૃત્યુ પછી જીવન શક્ય છે કે નહી એની કોઈ વાત હમણાં કરવી નથી, પણ ક્યાંક ઊંડે ઊંડે એવું લાગે છે ખરું કે અનંતના વિશાળ ફલક પર, આ સરળ, કોમળ, નિખાલસ દોસ્ત જશે પછી પણ આપણને ભૂલી નહી જાય, હા એમની યાત્રા નવી હશે, અનુભવો તો તદ્દન નવા હશે - કદાચ મનુષ્ય તરીકે મારી સમજની બહાર હશે - પણ એ એની સાહજીક લાક્ષણિકતા મુજબ એક-એક અનુભવ માણસે! કહેવાતા ઈશ્વરની પ્રિય વ્યક્તિઓમાંના એકને એમની અનંતની સફરની નવી શરૂઆત માટે ખુબ-ખુબ શુભેચ્છાઓ!