મૃત્યુ એ તલવાર છે; ચળકતી સપાટીની ધાર પર ઉપસી આવેલા અતીતની ચીસો; એક ઝાટકે કપાઈને ઢગલો થઇ ગયેલા લાગણીના લોહિયાળ અનુસંધાનો; પાપના પડછંદ હાકોટામાં ફફડી ઉઠીને જિંદગીના માત્ર એક ટીપા માટે તરફડતો ક્ષણભંગુર દેહ; ભેંકાર અંધકારનો ગુંગળાતા, પરાજયી અને શક્તિહીન અસ્તિત્વ પરનો પડી જતો પડદો અને છૂટી જતી મનુષ્યની પામરતાની અમીટ નગ્ન નિશાનીઓ...
'મૃત્યુની મારા દિમાગમાં હંમેશથી એક આક્રમક છાપ જ રહી છે’ દાદા પોતાની ડાયરીના પાનાં હળવેકથી બંધ કરતા કરતા બોલે છે; અચાનક ફોનનો એલાર્મ વાગે છે અને દાદા યાદ કરીને સાંજની દવાઓ લે છે અને મનમાં મલકાય છે, પોતે કેવો પોતાના દાદાને દવાઓ આપવાના બહાને એના ઓરડામાં જઈને વાર્તાઓ સાંભળતો! અને દવાઓ આપવામાં મનીયા સાથેની લડાઈઓ યાદ કરીને દાદા ખડખડાટ સ્મિત કરે છે...
સાંજ પડી ગઈ છે,ચારેબાજુ કોઈ સત્તાધારીની જેમ અડ્ડો જમાવીને આખો દિવસ પડ્યા રહેતા રોડ પર અચાનક માણસોનો રાફડો ફાટી નીકળે છે; ડ્રાઇવિંગ કરતા કરતા ઓફિસથી ઘરે જતો પતિ પત્નીએ શુ બનાવ્યું હશે એના વિચારમાં મલકાય છે અને અચાનક આગલી રાતે પોતે તેનો બર્થડે ભૂલી ગયો હતો એ યાદ આવતા મલકાટ ચૂપ થઇ જાય છે; તો બીજો વળી પોતાના પ્રોમોશનની વાત કરવા ઉતાવળો થાય છે; બોસ સાથેના ઑફિસના શીત યુદ્ધની વાત; પોતે નવા શર્ટ પર વાત વાતમાં ચા ઢોળાવની વાત; વિકએન્ડ ટ્રીપના પ્લાન; લાઈટબીલ; મીટિંગ્સ; નવો ફોન; પાર્ટીઓ અને કઈ કેટલુંયે...
મને આ ચહેરાઓ જોવા બહુ ગમે છે, દાદા રસ્તા પર ધીરે ધીરે ચાલતા વિચારે છે, માણસ કેવું એક વિચિત્ર પ્રકારનું નિખાલસ પ્રાણી છે! કેવું પોતાના સ્વપ્નિલ વર્તુળો કંડારવામાં ને ભૂંસી નાખવામાં ને વળી પાછા ફરીથી બનાવવામાં મશગુલ રહે છે! દાદા ઊંડું સ્મિત કરે છે, વિસ્મય પામી જાય છે, જાણે પહેલી વાર બધું જોતા ના હોય!
એક લાંબા થાકેલા દિવસ પછી આ સાંજ કેવી હળવેકથી આવીને માણસને ઘરે લઇ જાય છે! દાદા હળવેકથી રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્ક ની પાટલી પર બેસે છે અને એક ઊંડો શ્વાસ લે છે, ધીરેકથી લાકડી બાજુ પર મૂકતા મૂકતા વળી પાછી વિચારગોષ્ઠી ખોલે છે...
સરહદની લડતના હાકોટા, ગોળીબારો, બોમ્બમારો, ચિક્કાર મૃત્યુના ગંજ, અને એથીએ વિકરાળ મારી નજર સામે તરફડીયા મારતા મારા પોતાના સાથી સૈનિકો, ને છતાંય શક્તિના આખરી બુંદ સુધી લડત આપીને મૃત્યુની આરપાર જવાની ખુમારી! દાદાની આંખોમાં તાકાત ધસી આવી.
"પુષ્પા! એક મહિના પછી દિવાળી છે નહીં?!"
"આજે જ હોય એવું નથી લાગતું?!" પુષ્પા નવી ગિફ્ટ્સ ખોલવાનો કિલ્લોલ કરતા બાળકો અને મારી ફેવરિટ મીઠાઈઓ લઈને ઘરમાં પ્રવેશી રહેલા દાદા સામે મારુ ધ્યાન દોરીને ચમકતી આંખે બોલી...
યુદ્ધ પછીની એ દરેક સાંજ મને યાદ છે જે મને ઘરે લઇ ગઈ હતી, પેલા સ્વપ્નિલ વર્તુળોમાં પ્રેમ, હૂંફ, અને યાદોની નવી રંગોળી પુરવા!
અચાનક એક બોલ પગ સાથે અથડાય છે અને દાદા સ્મૃતિઓના પડદા પાછળથી ડોકિયું કરે છે, મીટ માંડીને પોતાની આસપાસ રમતા બાળકોને જોયા કરે છે, એના કિલ્લોલ અને ચિચિયારીઓ એના ખોખલા અસ્તિત્વમાં ચેતન જગાવે છે, અને દાદા ઊભા થઈ પેલો બોલ લઈને રમવાની શરૂઆત કરે છે, રમે છે, અને પોતે પણ કિલ્લોલ કરે છે, જાણે કે વર્ષોથી ખૂણામાં ધૂળ ખાતા રેડીઓમાં અચાનક સિગ્નલ આવે છે!
અંધારું થઇ રહ્યું છે અને બાળકોની મમ્મીઓ બાળકોને ઘરે લઇ જાય છે, એમને હજી રમવું છે પણ મમ્મી આંખ બતાવે છે અને તેઓ દાદાને બાય કહીને ચુપચાપ મમ્મી સામે મોઢા બગાડતા ઘરે જાય છે, દાદા ધીમું હસે છે, એમને પણ હજી રમવું હતું, એમને પણ ઘરે નહોતું જવું, એમને ત્યાં જ રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્કની પાટલી પર બેસી રહેવું છે પેલા બાળકો પાછા બીજા દિવસે ફરી રમવા આવે ત્યાં સુધી...
એમને તો ત્યારે પણ ઘરે નહોતું જવું જયારે પુષ્પાની પ્રિય રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્કની પાટલી પર પુષ્પાના મુત્યુના સમાચારનો ફોન આવેલો, એમને ત્યારે પણ ત્યાં જ બેઠા રહેવું હતું જ્યાં સુધી પુષ્પા ફરી એકવાર જમવાનું લઈને ત્યાં ન આવે, ફરી એકવાર એનો હાથ પકડીને ત્યાં વાતો કરવા બેસાડી ન દઉં, ફરી એકવાર એને ખીજવી ખીજાવીને એને ગુસ્સે ન કરું, ફરી એકવાર સરહદ પર જવાના દિવસે ત્યાં બેસીને તેની પાસે રડી ન લઉં, ફરી એકવાર એક સાંજ અને પુષ્પા મને ઘરે ન લઇ જાય ત્યાં સુધી...
દાદા ઊભા થાય છે, ભીતરની ચીસોને ધરાર ખંખેરીને થાકેલા બાળકની જેમ ઘરે જવા પગ ઉપાડે છે, અચાનક ફોનનો એલાર્મ વાગે છે, સાંજની દવાઓનો ટીમે થઇ ગયો છે, ટિફિન આવી ગયું છે, દાદા મનમાં મલકાય છે - બસ અમસ્તા જ!
આજે ફરી પાછા પેલા બાળકો દાદા પાસે આવે છે, એમની સાથે રમવા માટે. દાદાને જોઈને બૂમો પાડે છે 'અમારી ટીમમાં' , 'અમારી ટીમમાં', ... ફરીથી બાળકો ઘરે જાય છે અને દાદા રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્કની પાટલી પર બેસીને ખિસ્સામાંથી વર્ષો જૂનો પત્ર કાઢે છે, પીળા પડી ગયેલા કાગળમાં રેલાઈ ગયેલા અક્ષરો દર વખતે વધુ ને વધુ તાકાતથી પછાડે છે, આજે પણ યાદ છે યુદ્ધની છાવણીમાં પોતે આ પત્ર ખોલે છે, પુષ્પાના અક્ષરો જોઈને ધીમું મલકાય છે, સાથીદારો ખીજવે છે, પોતે શરમાય છે અને અચાનક ત્રીજી જ લાઈનમાં સીધી ભાષામાં પુષ્પાએ એક્સિડેન્ટમાં દાદા અને બાળકોના મૃત્યુની વાત લખી નાખી હતી! અને એ પછીનો પત્ર હું વાંચી શક્યો નહતો અને હજુ આજે પણ વાંચી શકતો નથી...
ના ના! વાત દુઃખની નથી, વાત તો મજાકની છે! નિયતિએ માંડેલી રમતની છે, અને દર વખતે પોતાને થયેલા અને એમ જ રહી ગયેલા ઉઝરડાઓની છે! અને... અચાનક ફોનનો એલાર્મ વાગે છે, દાદા ઉભા થાય છે, અને અતીતની પણછ પર ખેંચાયેલા શબ્દો એમ જ ખાલીપાની ફર્શ પર ખરી પડે છે, દવાનો ટાઈમ થઇ ગયો છે, ટિફિન આવી ગયું છે, દાદા મનમાં મલકાય છે - બસ અમસ્તા જ!
દાદા ડાયરીના પાના ફંફોસે છે, ખુલ્લી રાખી છે, એકધારી જોયા કરે છે, કશુંય વાંચતા નથી, પાના ફરતા જાય છે, અતીત ઉથલાતું જાય છે, અને જીવાઈ ચૂકેલી જિંદગીની સુગંધ ફરી એકવાર ઘેરી બની રહી છે, ફરી એકવાર તીવ્ર ખેંચાણ અનેક રંગીન ચહેરાઓને પેલા સ્વપ્નિલ વર્તુળોમાં લપેટી રહ્યું છે, ફરી એકવાર એકસામટા અવાજોના વંટોળની વચ્ચોવચ્ચ ક્યારેય ના નીકળતી ચીસ લઈને ઊભો છું, મૃત્યુ, જીવન, સ્વપ્નાઓ, સ્મૃતિઓ, અસ્તિત્વ, આશાઓ, સત્ય, લડત, હાર, અને કઈ કેટલાય અવાજો દાદાને વિચારોની પકડમાંથી છૂટવા નથી દેતા, દાદા હાંફી જાય છે, નિશ્વાસ છોડે છે અને હસે છે - બસ અમસ્તા જ!
દાદા ડાયરી બંધ કરે છે, લાકડી હાથમાં લે છે, અને અડધી રાતે ચાલી નીકળે છે, રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્કની પાટલી પર બેસવા! એકવાર આવી જ રીતે મધરાતે રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્કની પાટલીએ પુષ્પાને મળવા નીકળી પડેલા પેલા બાવીસ વર્ષના યુવાન સૈનિકની જેમ!
ખરેખર જીવન આટલી ઝડપથી વહે છે?! કે પછી વહી જાય પછી જ એવું લાગતું હોય છે?! મને કેમ એવું લાગે છે કે એ વીતી ગયેલી તમામ ક્ષણો ત્યારે તો માત્ર પસાર થઇ ગઈ છે, 'જીવાઈ' તો અત્યારે રહી છે! મારા શ્વાસના એક એક ટીપાંએ એક એક ક્ષણને ફરી ફરીને ભીની કરી છે, ફરી ફરીને મારી કોરીકાટ એકલતાને ભીંજવી છે,... વૃદ્ધાવસ્થા કદાચ એટલા માટે જ હોતી હશે; વહી જતા ઉતાવળિયા જીવનના વાંકે અડધી જ જીવાયેલી ક્ષણોને પૂરી કરવા! દાદા મધરાતની ભવ્ય શાંતિમાં હસી પડે છે - બસ અમસ્થા જ!
હું માત્ર હું જ નથી; હું રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્કની પાટલી પાર મળવા આવતી પુષ્પા પણ છું, ગિફ્ટ્સ ખોલીને કિલ્લોલ કરતા મારા બાળકો પણ છું, આખી રાત જિંદગીના પાનાં ઉથલાવી ઉથલાવીને મારી સાથે સૂઈ જતા મારા દાદા પણ છું; રોજ મારી સાથે રમવા માટે મારી રાહ જોતા પેલા બાળકો પણ છું; મારી નજર સામે તરફડીને મરેલા મારા સાથી મિત્રો છું, એ લડત છું, ઝુનૂન છું, એ દરેક સાંજ છું જે મને ઘરે લઇ ગઈ હતી, અને દાદા અને બાળકોના મૃત્યુના સમાચરવાળો અડધો જ વંચાયેલો એ પત્ર છું... દાદા નીચે નજર ઝુકાવે છે, હસી પડે છે, અને બોલે છે, હું આ રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્કની પાટલી પણ છું!
હું આ તમામ હિસ્સાઓથી લખાયેલો એક કાગળ છું, જેમાંથી ધીરે ધીરે એક પછી એક હિસ્સો તૂટીને છૂટો પડતો ગયો અને મારું એક પછી એક ટુકડાઓમાં મૃત્યુ થતું રહ્યું...
મૃત્યુની મારા દિમાગ પાર હંમેશથી એક આક્રમક છાપ જ રહી છે, મને હંમેશાથી મૃત્યુ એક ઝાટકા જેવું લાગ્યું છે, પણ આજે હું મારા અસ્તિત્વના આખરી ટુકડા સાથે રવિશંકર મહારાજ ઉદ્યાનપાર્કની પાટલી પાર બેઠો છું ત્યારે હવે મને લાગે છે કે ના, એ હળવું પણ હોઈ શકે, ધીમું પણ હોઈ શકે, કોઈ પ્રિયતમાના પળવારના હાસ્ય જેવું પણ હોઈ શકે, પુષ્પાની આંખોમાં ચમકતી એ સાંજની પેલી દિવાળી જેવું પણ હોઈ શકે, કોઈ થરથરતા તણખલા જેવું - જરાય દઝાડ્યા વિના ચૂપચાપ આવીને જતું પણ રહે, એ હળવે હળવે ખાલી થઇ જતી પાનખરની ડાળીની જેમ એક આખેઆખી ઋતુ પણ હોઈ શકે; સાવ કોરી પાટી પરના ભરચક્ક લીટોડિયા પછી ફરી એક વાર કોરી થઇ જતી પાટી પણ હોઈ શકે; એ અતીત અને અંત સુધીના તમામ છેડાઓ જોડાઈ ગયા પછીની આખરી ગાંઠ છે; અને... દાદા ખડખડાટ હસી પડે છે - કદાચ બસ અમસ્તા જ!
...અને અધૂરું રહી ગયેલું એક પૂર્ણવિરામ પણ હોઈ શકે...