આપણે આપણી જ આકાંક્ષાઓની રમતના ચક્રવ્યૂહમાં એવા તો ફસાઈ જઈએ છીએ કે આપણે આપણને જ ભરી મૂકીએ છીએ; સમાજવાદ અને એ જ સમાજવાદે વિવાદે ચડાવેલા ભૌતિકવાદના વંટોળે દેશની મિડલ ક્લાસ પ્રજાને ઢસડાવી ઢસડાવીને પેલું પેટે પાટા બાંધવા વાળું છમકલું સાચું પાડી દીધું છે; વીસ વર્ષના યુવાનનો દુનિયા બદલાવી નાખવાનો જુસ્સો અચાનક જ ઇન્ટરવ્યૂના પ્રેક્ટીકલ પ્રશ્નો સામે માયકાંગલો થય જાય છે; 'રોજગારીની ભરપૂર તકો' ના લેબલોએ બેરોજગારીના ફુગાવાની ભારે મજાક કરી છે; ફૂટપાથ પર સૂવા વાડાઓ કે પછી રેકડીવાડાઓની ટ્રાફિક હટાવનારાંઓની આંખમાં ગરીબી હટાવવાની કોઈ ખાસ લગન દેખાતી નથી; ઉપરથી નિર્ભયાના બળાત્કારીઓ ને ફાંસીની સજા અપાવીને 'જસ્ટિસ' ના હાકલા પાડતો સમાજ પોતાના જ ઘરનાં કાકા, માસા, ફુવાઓ ની જાતીય સતામણીથી પુત્રી કે વહુને બચાવવામાં હડાહડ નિષ્ફળ ગયો છે; 'જનરેશન ગેપ' ની આઇકોનિક સફળતાએ ઘરની શાંતિને સુપરફ્લોપ સાબિત કરી છે; ભ્રષ્ટાચારના લક્કડખોદે દેશનાં લોખંડી આદર્શોને ખોદી ખોદીને ખોખલો બનાવી દીધો છે; ધર્મો ને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇને ધર્મના જ નામે અધર્મ કરીને ધર્મના ધજિયા ઉડાવ્યા છે; કહેવાતો દેશપ્રેમ માત્ર સોશિયલ મીડિયામાં ટાઈમ વેસ્ટ કરનારા દુનિયાનાં સૌથી વધારે ભારતીય યૂઝર્સના વ્હોટ્સએપ્ પૂરતો સીમિત થઈ ગયો છે;...
લિસ્ટ લાંબું થતું જાય છે; અને બીજી બાજુ સમાજની દેખાદેખીની ચીસો નીચે સાઈલન્ટ ક્રાયર એવા 'ટેલેન્ટ' ના મૂળ ભોંયતળિયાના અંધકારમાં ઊંડા ને ઊંડા ઉતારતા જાય છે; અને આપણે એ માટીમાં મળતા જતા મૂળ ના ઠેઠ ઊંડાણ ક્યારેય શોધતા જ નથી. એટલે જ, એટલે જ આપણને નથી સમજાતું કે આ જ સમજમાંથી આ જ સમાજને ઉપર ઉઠાવનાર કોઈ વિવેકાનંદ કે ગાંધી કે ઝાંસીની રાણી કઈ રીતે પાંગરે છે?!
ઝવેરચંદ મેઘાણી જેવાં સાહિત્યકારોએ બહુ ખૂમારીથી જીન્દગીને 'લોહિયાળ જંગ' કહી છે. ના જંગ હમેશાં શસ્ત્રોથી નથી થતી; લડત પોતાના અસ્તિત્વને તલવારની ધાર પર ઊભાડી રાખવા માટે પોતાની સાથે પણ કરવી પડે છે; હાં, સત્ય નકોર છે, તલવારની ધાર કરતા સહેજે ઓછું નથી; અને એટલે જ સદીઓમાં એકાદ ગાંધી માંડ જન્મે છે કે પછી ચાલીસ - ના, ઓગનચાલીસ વર્ષનાં આયુષ્યમાં આપણે સૈકાઓ વિતાવ્યા પછીએ ના કરી શકીએ એટલું વિવેકાનંદ કરી જાય છે કે પછી બહાદુર વીરાંગનાંઓ તલવાર લઈને રણમેદાન માં ઉતારી જાય છે!
ના - વાત ગાંધી કે વિવેકાનંદ બનવાની નથી; ઝનૂનનાં આવેશમાં આવી જઈને દુનિયાને બદલાવી નાંખવાના ડહાપણ બતાવવાની નથી, વાત તો શ્રી રામના પૂલ માટે નાનકડી ખિસકોલીએ ભરેલી મૂઠ્ઠીની છે, મનુષ્ય હોવાના પડકારને ઝીલીને મનુષ્ય હોવાના અપાર ગૌરવમાં ફેરવી નાખવાની છે; ના ના! એના માટે કોઈ ભદ્રંભદ્ર પુરાણો કે પોથીઓ ખોલવાની કે પછી સોક્રેટીસની કૉપીઓ ગોખવાની નથી; બસ એ નકોર સત્ય તરફ મીટ માંડવાની છે; જેની આપણે ભાગ્યે જ શોધ કરી છે...
મનુષ્ય હોવાનું સત્ય, પોતાની જાતને સખ્તાઈથી 'હું કોણ' પૂછવાવાડાઓ હમેશાં 'હું' ના નશામાંથી આબાદ ઉગરી ગયા છે - પરંતુ ભાગ્યે જ આ સવાલ પોતાની જાતને પૂછ્યાનું સત્ય...
મહાપૂરુષોએ ક્યારેય એકસામટે આખા સમાજને બદલવાની વાત નથી કરી, પરંતુ એમણે માણસની ભીતરમાં રહેલા પેલા મનુષ્ય હોવાના જડ સત્યને પીગળાવીંને ઉપર લાવવાની વાત કરી છે અને તેના માટે આદર્શોની સખ્તાઈ અપાનાવડાવી છે; માયકાંગલા થઈને ફસડાઈ પડેલાં યુવાનમાં ઝનૂન દોડાવ્યો છે; એમના રક્તના એક એક ટીપાને આત્મસમર્પણ માટે તૈયાર કર્યું છે; અને ત્યારે તેઓએ એક માણસમાંથી માણસ હોવાનો મર્મ ઊભો કર્યો છે, સંસ્કૃતિ ઊભી કરી છે...
અને એ જ સત્યએ વીરાંગનાંઓ અને વીરપૂરુષોનાં હાડકાં અને જ્ઞાનતંતુઓને લોખંડી બનાવ્યા છે; અને એ સત્ય જે સંસ્કૃતિની નીવને ટકોરાબંધ સાચવી શકે છે અને નવી સંસ્કૃતિની નીવ સર્જી પણ શકે છે; અને એ સત્ય સમાજ બદલી શકે છે; ઊંડા ઉતારતા જતા મૂળ ને ફરી ફરી ને ખીલવવાનું નક્કર સામર્થ્ય આપી શકે એ સત્ય જેની આપણે ભાગ્યે જ શોધ કરી છે...