નીલા

By Charmi Jagani

Co-Founder @StackDot

"પોણા સાત!! ઓહોહો! આજે તો મોડું જ થવાનું! અરેરે! એલાર્મ પણ શિયાળો જોઈને સુઈ રહ્યો કે શું!? છેતર્યો એને પણ હોં! ન ગાજ્યો તે ન જ!" ને હાર્ડીસાહેબ પથારીમાંથી સટાક કરતા ઊભા થઈ ઝડપ ઝડપથી તૈયારી કરતા હતા, કબાટ ખોલ્યો ને કપડાં કાઢવા ગયા ત્યાં જ...એનું થપ્પીઓ પર મૂકી દીધેલું મેડલ રણકી ઊઠયું! એનો રણકાર હાર્ડીસાહેબના હૃદયના ધબકારની ચીસ બની ગયો! એ હૃદય પળવાર માટે ધબકવાનું ચૂકી ગયું હતું! એને મેડલને હાથમાં લીધું ને તાકી તાકીને જોઈ રહ્યા - બસ જોઈ રહ્યા! એને હેતથી પંપાળીને ડ્રોઈંગ રૂમમાં લઇ ગયા અને ત્યાં શોકેસમાં બીજા કેટલાયે શિલ્ડ્સ હતા, કેટલાયે મેડલ્સ હતા, કેટલાયે સર્ટિફિકેટ્સની અખંડ હારમાળા હતી, આને પણ ત્યાં લટકાવવા આગળ વધ્યા, ને લટકાવી દીધું!

ત્યાં ઊભા રહીને ફરીથી તાકી તાકીને જોઈ રહ્યા, પાંપણના પોપચાં પર પાંગરી ઊઠેલો તાજો અધમણ આંસુનો ભાર હળવેકથી હડસેલાઈ જવા મથતો હતો, એ નિસ્તેજ ચહેરો ગ્લાનિ ઓઢીને સ્થિર ઊભી ગયો, ધ્રૂજતો હાથ એ શોકેસનાં કાચને વહાલથી પંપાળતો હતો ને હૃદય વિંધાઇ રહ્યું હતું, દરેક ક્ષણે કૈક ચૂભતું હતું, ક્યારેય મિટાવી ન શકાય એવો દર્દ ઉમટી પડ્યો હતો, ને એ ત્યાં જ ઢગલો થઈને બેસી ગયા!

એ જોઈ રહ્યા પેલા એકદમ જૂના ને પહેલા મેડલને! ને આજના આ છેલ્લ્લા મેડલને! એ પહેલા મેડલમાં એને એનો તરવરતો જુસ્સો, જુવાની યાદ આવી ગયા! રોજ ઊઠીને સજ ધજ થઈને ગાડી હંકારી મૂકતો સ્કૂલ તરફ, કોઈ શહેનશાહ ની જેમ ઉતરતો, બધાને થોડોક ડરાવતો ને શાંત વદને કામે વળગતો, લેકચર પૂરો કરીને બહાર નીકળું તો લગભગ લોથપોથ થઇ જતો, બધી તાકાત એ શબ્દએ શબ્દના મર્મની મર્મસ્પર્શી ઊર્મિમાં ઓગળી જતી! ને નવા લેકચર નો નવો ઉત્સાહ જન્માવતી! હું ચાલતો હતો કે ડોલતો હતો ખબર નથી, પણ અંદરથી તો ઝૂમતો હતો, કંઈક સંગીતના તાલની જેમ, સંગીતના તાલની સાથે, ધીરે ધીરે આ ધરા, આ ભૂમિ મારા માટે મંદિર બનતી ગઈ! રોજ બોલાતી પ્રાર્થના, ચાલતા લેક્ચર્સ, ભાગતા કોર્સ, પરીક્ષાઓ, પેપર્સ ને બાળકોની શક્તિથી ભરેલા જવાબો જ જાણે કે જિંદગી બની ગઈ!

અહીં રોજ નવો દિવસ ઉગતો. જુવાનીના પચીસમાં વર્ષે કે પછી આધેડ થયોને ચાલીસી વટાવી દીધી કે પછી આજે અઠ્ઠાવનની ઉંમરેય ત્યાં પગ મુકતા જ પરિવર્તન થઇ જતું! એ નાદાન આંખોમાં છલકાતો જુસ્સો, કંઈક કરી નાખવાની જોરદાર તમન્ના ને આસમાન ભણી મીટ માંડીને ઊઠી રહેતી દ્રષ્ટિ, રોજ મને અઢાર વર્ષનો કિશોર બનાવી દેતી! હું રોજ આ બાળકોની નાદાન દુનિયામાં બાળક બની જતો. તેના જવાબોમાંથી ઉપસતી તેમની તાકાત ને સવાલોમાં ન સમજાય તેવું સત્ય! મને પરાજય, હાર, દુઃખ , વેદના નેવે મૂકીને આસમાનમાં ઉડવાની સ્વપ્નિલ પાંખ આપી જતા, રંગોવાળું મેઘધનુષ આપી જતા, ને તરબતર થવાની મોસમ આપી જતા.

જીવનની ભાગદોડ માં નીલાને ગુમાવી. મારા સ્વપ્નાઓની અરેરાટી એ તેને વેદનાથી કચડી નાખી ને હું શાંત્વન બનું એ પહેલા જ તે સોડ તાણીને સુઈ ગઈ! આ આંગણે કિલકિલાટ કરતી લાડકી પ્રિયા પણ તેના ઘરે જતી રહી. ને આ વિશાળ બંગલામાં અમે બે હું ને રામુ બે બચ્યા. એ રોજ પેપર લઈને આવે ને મને જગાડે. ચા પાય, નાસ્તો તૈયાર કરે, ને 'સાહેબ! સાહેબ!' કરતો પાછળ પાછળ ઘૂમે. ક્યારેક એની ભાષામાં બોલતો જાય ને મનને ભીંજવી નાખે, "અરે સાહેબ! તમારી નિશાળેથી આજે એક સોકરો આયો'તો. કેતો'તો કે સર ને કેજો કે, "મેં હોમવર્ક કરેલું હતું, આ તો બુક ભૂલી ગયેલો એટલે અત્યારે ચેક કરાવવા આવ્યો તો... ભૂલ્યા વગર કહી દેજો હો રામુ ભાઈ!" ને બચારો દોડતો આ વરસાદ માં બુક મૂકીને ભાગ્યો ને ઘડીમાં પાછો પલળતો આવ્યો, "એમ કેજો કે શ્યામ હતો, આ વરસાદ માં નામ કે'તા ભૂલી ગયેલો..." કહેતોક હા...ક...છી કરતો દોડ્યો! તે હે સાહેબ! આ બચારો બુક ભૂલી ગયેલો એ તો એ શ્યામે તમને કીધું જ હશે ને! તમે જ માન્યાં નહિ હોવ, નહિ?! તો જ આવ્યો હોય અત્યારે પલળતો! તમને આ નાના સોકરાનોય ભરશો નય?! બહુ સખત તમે તો!" ને એમ કહેતો ગરમ ચા મૂકીને રોષથી ચાલતો થાય, ને હું એક ઊંડો શ્વાસ લઈને સ્મૃતિના વમળોમાં અટવાઈ જાવ!

*

"નીલા! જો મને પરણવા માંગતી હોય તો તારી માયાજાળને છોડવી જ પડશે, તારી આ ગામડાની નિશાળ ને ગોબરા છોકરા! એય વળી વીસ પચીસ, ને વળી ખેતરે જાય તો રજા પાડી દે એવા! આ બધી પંચાત છોડ ને મારી સાથે શહેર ચાલ, તું ઘણું કરી શકે એમ છે, ત્યાં સુખેથી રહેજે..."

"પણ આ વૃદ્ધાશ્રમ?! એ તો ન જ છોડાય ને?!"

"અહોહો! તું પણ લાગણીનો સમન્દર ન બન, બી પ્રેક્ટિકલ! એને એના પોતાના ન સાચવી શક્યા તે આપણાથી કેટલુંક બને?! હશે એના નસીબ! ને વળી એ તો આખરી શ્વાસ ગણે છે, તારી સામે જો તારી આખી જિંદગી રાહ જોઈને ઉભી છે! અહીં તો હું એક ટીમ રખાવી દઈશ બધી દેખરેખ રાખવા માટે! કહું છું જલ્દી ચાલ, હવે જીદ ન કર પ્લીઝ!"

"મારુ તો આ રમણીયતાને છોડીને આવવાનું જરાય મન થતું નથી, પણ સ્વપ્નિલ જીવનની નવી આશા મને ખેંચે છે!"

નીલા અહીં આવી તો ગઈ પણ અહીં જીવવાનું એને બહુ ફાવ્યું નહિ, ઝૂલવાનું બહુ માફક આવતું નહોતું એ મને દેખાતું પણ નિર્દયતાથી અંજાયેલી મારી આંખો એને નાટક સમજી બેસતી. પણ એનેય સમજવી અઘરી હતી. લાગણીઓના એના પોતાના સમીકરણો ઊંડા હતા, જીવન માટેનો સ્વચ્છ-અલાયદો અભિગમ, સેવા, પ્રેમ, સમર્પણ, અને કઈ કેટલુંય! દિવસે વિજ્ઞાન ના નવા નવા પ્રયોગો કરે ને રાતે કવિતા! કંઈક જુદી જ હતી! પણ મેં એને અઘરી માની લેવાની ભૂલ કરી નાખી. એની કવિતાઓ, લાગણીઓ બધું મને વધારે રાક્ષસી બનાવતું ને રોજ એની દુનિયાને ગુસ્સામાં વિખેરી નાખતો. બીજા લોકોની જેમ નીલાને લઈને મારુ એક જ બહુ નાનું સ્વપ્ન હતું, "એક રાજા અને એક રાણી ખાધું પીધું ને રાજ કીધું! મોજથી રે ને, શું કામ આ બધી ઝંઝટ માં પડે છે?!" પણ એના માટે તો સેવા એની દુનિયા ને કવિતા એની પાંખ, કલ્પનાઓ નો તો ક્યાં તૂટો જ હતો? એનું કામ કર્યે જાય, સમાજસેવા કરતી જાય, એના પ્રયોગો કર્યે જાય, કવિતા લખતી જાય ને છેક કલ્પના ના અવકાશે જઈને મને બોલાવે ને હું ફરી ચિડાઈ જાવ! ફરી બોલાવે, પ્રેમથી પંપાળે, અને એમાં ને એમાં ક્યારેક રસોઈ બનાવવાનું ભૂલી જાય! હું ભૂખથી તરવરતો આવું, અને એ કામમાં ડૂબેલી હોય, મને જોઈ ઓચિંતી બોલી જાય, "ઓહ! તમે આવી ગયા! રસોઈ રહી ગઈ આજે તો! સમયનું ભાન જ ના રહ્યું! પાંચ, પાંચ, બસ પાંચ મિનિટ, હું હમણાં જ..." બોલાવનું પૂરું કરે એ પહેલા જ હું ધડામ કરતો રૂમ માં જાવ - અટકી જાવ , ત્યાં જોઉં તો જાત જાતના ને ભાત ભાતના ચિત્રો દોરેલા પડ્યા હોય, રંગોથી ફર્શ રંગીન બની ગઈ હોય, એની કવિતાઓનેય જાણે પાંખ ફૂટી હોય એમ આમથી તેમ ઉડાઉડ કરતી હોય, એકાદ અધૂરી ડાયરી ની વચ્ચે કલમ હોય ને અધૂરા પ્રોજેકટ્સના પ્લાનિંગ્સ, આઈન્સ્ટાઈન, ન્યૂટન, ટાગોર અને એવા તો કેટલાયે લોકોથી રૂમ આખો મ્યુઝયમ જેવો હોય! પણ મારી નિર્દયી નજર આ કલ્પનાને સમણાંઓની વચ્ચેની દુનિયાને ક્યારેય પારખી શકવા જેટલી સક્ષમ ન બની. ને એટલે જ બેડ પરથી એનો "પથારો" હડસેલીને હું જગ્યા કરીને સુઈ જાવ. એ ગરમ ગરમ રસોઈ કરીં આવે ત્યાં હું સુઈ ગયો હોય! એ બોલે, "અરે! સુઈ ગયા કે શું?! ચાલો ઊઠો હવે! જમીને ફ્રેશ થઈને સૂઈ જજો. ઊઠો! ઊઠો...ઊઠો...ઊઠો...' ને હું ચિડાઈને ઊભો ના થાવ ત્યાં સુધી બરાડા પાડે.

પછી કહે, "ચાલો હવે, હાથ મોં ધોઈને જમી લો પછી આરામ કરજો."

હું સીધું જ થાળી પાર તાકું ને એ મને રોકે; હું સંપૂર્ણ કમને 'ફ્રેશ' થઈને જમવા બેસું...હું જમતો હોય ને એ બોલવાનું ચાલુ કરે, "આજે તો પેલા રવજીકાકા નો આર્ટિકલ પબ્લિશ થયો, ફાઈનલી! શું વાત કરું! આમ કરવા ગઈ ને તેમ થયું! તેમાંથી આમ થયું. પછી તો આમ નું તેમ ને તેમનું આમ!! છેલ્લે જૂના રિસર્ચ પેપર વાળો આર્ટિકલ કામ લાગ્યો ખરો! હું તો વિચારતી હતી કે આજે તો સાંજે ગામ જઈને વૃધ્ધાશ્રમે મળતી આવું, પેલા બાળકો ને ખુશ કરતી આવું, બિચારા મને જોઈને બહુ ખુશ થશે! પછી આવી ને આ બુક અધૂરી છે, તે પુરી કરીશ, આ પેઈન્ટિંગ્સ વ્યવસ્થિત ગોઠવવા છે, પછી તો પેલા પ્રોજેક્ટ્સ ના પેપર્સ ને...!"

"ચૂપ થઈશ ? હવે મેં જમી લીધું છે,"

"લે ...! પાંચ કલાક થી ભૂખ્યો છો ,પાંચ મિનિટ તો શાંતિથી જમો!"

"તું વર્ષોથી બડબડ કરે છે, વર્ષો સુધી ચૂપ રહીશ?!"

હું તેને ગમે તે કહેતો, જાણે મારા તિરસ્કારને અવગણતી હોય અથવા તો સમજતી જ ના હોય તેમ મારા પર વારી જાય! ઓવારણાં લેતી જાય! ને વહાલથી જોઈને હસતી હસતી બસ કઈંક ન સમજાય તેવા મૌન સાથે કઈ કેટલુંય પ્રેમાળ સ્મિતની ભાષામાં કહી જાય! એની આંખોમાં અનોખું સત્ય હતું, ક્યારેક નાના બાળક જેવું તો ક્યારેક ફરિસ્તા જેવું! એ બોલતી મીઠું મીઠું, હસતી મીઠું મીઠું, ચાલતી મીઠું મીઠું; એના અસ્તિત્વમાં જ મીઠાશ હતી! ભારોભાર હતી!

પણ મારા કઠોર બની ગયેલા હૃદયને આ મીઠાશ પીગળાવી શકતી નહિ. એ હૃદયને તો હવે જોરદાર પ્રહાર જ હલાવી શકે એમ હતું! અને એ પણ થયું જ!

*

રોજની જેમ આજે પણ ભડભડ કરતો આવ્યો, દરવાજો ખૂલ્લો જ હતો, હું અંદર પ્રવેશ્યો, ને ઘરને જોઈ રહ્યો, અહીં સોફા, ટિપોઈ, ટીવી, ડાઇનિંગ ટેબલ બધું જ વ્યવસ્થિત અને ગોઠવાયેલું હતું! ચકચકિત હતું! સોફાની ચાદર, પડદા, ફ્લાવર્સ, ગાલેચા, તકિયા બધું જ મખમલી ને સુંદર રીતે સજાવેલું હતું! હું રસોડામાં ગયો, સુંદર ખૂશ્બુ આવતી હતી - મારી પ્રિય વાનગીઓની! - તાજી! - ગરમાગરમ! - હજી હમણાં જ બનાવીને તૈયાર કરેલી એ સ્પષ્ટ હતું! હું થોડોક મલકાયો! જાણે એ મારી ખુશી જોતા જોતા છુપાઈને મલકાઈ રહી હોય એમ! - "પણ કશું સમજાયું નહિ! આ મારુ જ ઘર છે કે હું ભૂલો પડ્યો!" હું ખુશીથી બબડતો નીલાને શોધવા નીકળ્યો! હું તો રૂમેરૂમ ફરી વળ્યો. આખાય ઘરમાં સુગંધ હતી, બધું ખૂબ સુંદર લાગતું હતું, કબાટ, કપડાંની થપ્પીઓ ને શૉ-કેશમાં માવજતથી એક-એક ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા મેડલો, શિલ્ડસ, સર્ટિફિકેટ્સ અને એવું તો કેટલુંયે! દરેકે દરેક વસ્તુ અંધારામાંય મળી જાય એટલી ચીવટથી ગોઠવાયેલી ને સુંદર રીતે સજાવેલી હતી, હું તો લગભગ હેબતાઈ જ ગયો ને છેલ્લે બેડરૂમમાં તેની હાજરીની ખાત્રીપૂર્વકની અપેક્ષા સાથે ગયો,પણ ત્યાં પણ શાંતિ હતી! કોઈ કવિતા ઊડતી નહોતી, પ્રોજેક્ટ્સના પેપર્સ સંકેલાઇ ગયા હતા, પેલી કલમ રાખેલી અધૂરી ડાયરી દેખાતી નહોતી, પેઈન્ટિંગ્સ પણ નજરે ના ચડ્યા, અને કદાચ તેથી જ ફર્શ તેના અસલી રંગમાં - પણ એકરંગી રંગમાં આવી ગયી હતી! તેના આઈન્સ્ટાઈન, ન્યૂટન, ટાગોર આજે દેખાય નહિ, રંગોની સાથે કદાચ સમેટાઈ ગયા હતા. બેડની ચાદર સુંદર મખમલી રીતે પથરાઈ હતી! આ બધું જ એક નજરમાં જોઈ લીધું ને છેલ્લે મારી નિર્દયી નજર ખૂણામાં ટાંકેલા ફોટા પર પડી, ને હું...હું તો સ્તબ્ધ થઇ ગયો, મારા પેટમાં ફાળ પડી ગયી, ધ્રાસ્કો પડ્યો ને હું મોટી અવાક આંખે માત્ર જોઈ રહ્યો, એક ફોટાને - એ ફોટામા હસતી માસૂમ નીલાને, એના ગાલ પરના આછા એવા - સાવ આછા એવા પથરાયેલા ખંજનને, આંખોમાંથી છલકાતું પેલું બાળક જેવું કે પછી ફરિસ્તા જેવું અખૂટ સ્મિત, ને ચહેરાની પાછળ એમ જ દબાઈ ગયેલી વેદનાને! એ નીલા - મારી નીલા જાણે હેતથી મને ભેટી પાડવા આતુર હતી ને હું નિર્દયતાથી કિનારા પર ઊભીને બરાડા પાડતો હતો. હું જોઈ રહ્યો એ ફોટા વડે ઢંકાઈ ગયેલી વિશાળ દીવાલને! હું જોઈ રહ્યો એ નિઃસ્વાર્થ ચહેરાને...અને...અને...એ ચહેરા પર એના પ્રિય ફૂલોથી સજાવેલા હારને!! હા, આ ફોટા પરનો ફુલહાર મારા જીવનની સૌથી મોટી હાર હતી! હું ચીસ પડી ઊઠ્યો, "નીલા...નીલા..." બૂમો પાડતો સડસડાટ ઉપર-નીચે શોધવા લાગ્યો. મને અચાનક યાદ આવ્યું હોય તેમ પાછો ઉપર એની લાઈબ્રેરીમાં ગયો, મારો અંદાજ સાચો હતો! તેના સુધી પહોંચ્યો તો ખરો પણ એ દ્રશ્યને જીરવી શક્યો નહિ... તેની લાઈબ્રેરીમાં હારબદ્ધ ગોઠવાયેલા પુસ્તકો, એક ટેબલ, ટેબલ પર પેલી કલમ રાખેલી અધૂરી ડાયરી, એના સંકેલાઇ ગયેલા પ્રોજેક્ટસના પેપરો અને છેલ્લી ઘડીએ લખાયેલી કવિતાઓ મને હચમચાવી ગયી. હું જોઈ રહ્યો એ આરામ ખુરશી પર આરામથી ચીર નિંદ્રામાં પોઢી ગયેલી નીલાને! એની આંખો બંધ હતી, ચહેરા પર હળવું સ્મિત હતું, દટાઈ ગયેલી વેદના મૃત્યુના ઉઝરડા ઓઢીને ઉપસી આવી હતી, એના નિર્મળ ચહેરાને હું જોઈ રહ્યો, ધૂસકે ધ્રૂસકે રડી પડ્યો, જાણે એ પ્રેમાળ ચહેરો આજે છેલ્લું સ્મિત ફેંકી રહ્યો હતો, જાણે હમણાં બોલી ઊઠશે, હમણાં જ કહેશે, "વર્ષોથી બડબડ કરતી હતી ને, હવે વર્ષો સુધી ચૂપ રહીશ!" ને હું લોથપોથ થઈને ત્યાં જ ઢળી પડ્યો, એના અધખુલ્લાં હાથમાં કાગળ હતો, મને ખબર હતી હશે જ!

મેં પ્રેમથી એક ઊંડા શ્વાસ સાથે એ કાગળ ખોલ્યો, એમાં ભારોભાર ઊર્મિથી લખાયેલું હતું,

'હું જાણું છું તમે મને આ રીતે જોઈને હેબતાઈ જશો, પણ મેં પુરી કોશિશ કરી છે કે મુત્યુની આહ પછી પણ ચહેરો બિહામણો ના લાગે, એના પર હળવું સ્મિત ફરફરતું રહે! બસ, સ્મિત તમે આવો ત્યાં સુધી ટકી જાય એટલે થયું!'

'યાદ છે, વર્ષો પહેલા મારા ગામ તમે ટ્રેનિંગમાં આવેલા ને હું તમને મળી હતી! તમારા એક્સિડન્ટમાંથી તમારા ઘાવને રુઝયા તો તમે રીઝવી લીધી! મારા પિતા હું ચાર વર્ષની ત્યારે જ સ્વર્ગે સિધાવ્યા હતા, મારી માં એ બીજા લગ્ન કર્યા, હજી માંડ હું છ વર્ષની થઈ ત્યાં મારી માં પણ મરી ગઈ. મારા નવા પિતા એ હવે ફરીથી નવા લગ્ન કર્યા, અને નવા પિતાની સાથે રહેવા હવે એક નવી માં આવી, મારી દુનિયા ધીરે ધીરે બદલાઈને અંધકાર તરફ મીટ માંડી રહી હતી, મારા નિસ્તેજ ડગલાને કોઈ સૂર હતો નહિ, છ વર્ષથી જ દુનિયાને ઓળખતી હતી, જાણતી હતી, પણ સમજતી નહોતી! ને ન સમજાય એવી વેદના રોજ મારી સાથે રમવા આવતી, મારુ હૃદય પ્રેમને ઝંખતું રહેતું, પણ અહીં તો ડરથી જીવવાની તાલીમ લેવાની હતી, ઉઝરડાની આદત પાડવાની હતી, ગ્લાનીને ઓગાળીને ઉતારી જવાની હતી, ને વેદના ને તો વાઢીને ફેંકી દેવાની હતી. મારા પોતાના શ્વાસ સિવાય મારુ કઈ જ ન હતું . મોટી થતી ગઈ, સમજતી ગઈ પણ સહી શકાતું ન હતું, સ્કૂલે જતી, પાછી આવતી ને માર ખાતી, આ ત્રણ વાતોને જ જીવન સમજી લીધું હતું, ને આ દર્દ સાથે જ હું દસ વર્ષની થઇ ગઈ. વર્ષોથી ઘૂંટાઈને અંદર રોપાઈ જતી વેદનાઓની વસંત પાંગરી રહી હતી, એ ખીલવાની પુરજોશમાં તૈયારી કરી રહી હતી, એ આંસુ સાથે આવવાની હતી ને એ હતી મારી કવિતા! પછી તો જીવન બદલાતું હતું, દરેક ઉઝરડા કુદરતની વધુ સમીપ લઇ જતા, દરેક દર્દ દુઃખનો મલમ બનાવની મદદે પહોંચી જતા, દરેક સાંજ ને દરેક સવાર નવા રંગો ચીતરતી, ને સૃષ્ટિમાં ઊંડે ઊંડે છુપાયેલા સત્યો મારી સામે નિખરી ઊઠતા! જોતજોતામા હું પંદર વર્ષની થઇ ગઈ, હવે મારા સિવાયના બે સંતાનો મારા નવા માં બાપને હતા, હું એ ઘરની કામવાળી હતી, હવે મને થયું મારે અહીં રહેવાની જરૂર નથી ને હું ભાગી નીકળી! અને આ અંતરિયાળ ગામડામાં પહોંચી ગઈ, અહીં એક એકલા દાદી રહેતા હતા તેને મને સંભાળી, મમતાનો અનુભવ આપ્યો ને પોતાની પાસે સંઘરેલી મૂડીમાંથી આગળ ભણાવી. '

'એક બાજુ કવિતા અને એક બાજુ સેવા, બેયની વચ્ચે હું હાથ ફેલાવીને ઊભી રહેતી. આ રીતે સત્યની એક પછી એક જીત મેળવતી ગઈ ને દર્દ એ સત્યની સોડમાં સંતાઈ ગયું. અહીં સ્કૂલ બનાવી - હા પેલી પાંચ પચીસ છોકરાં વાળી! અહીં વૃધ્ધાશ્રમ બનાવ્યો - હા ત્યાંના લોકો આખરી શ્વાસ લેતા હતા એ વાત સાચી હતી તમારી, પણ મારા અસલી જીવનની શરૂઆત તો એ આખરી શ્વાસ લેનારાઓની મદદથી જ થયેલી ને! એટલે જ કદાચ એ લોકોની મમતા છૂટતી નહોતી.'

'આ મારા અતીતનો એક એવો પ્રહર હતો, જેને મારી આખરી શ્વાસ લેનારી દાદી સિવાય આ નવી દુનિયામાં કોઈ જાણતું નહોતું, આજ સુધી તમે પણ નહીં! પણ જો કે તમને ન જણાવવાના કારણમાં મને એવું લાગતું કે જે કાળી રાત વીતી ગઈ છે તેને યાદ કરવાનો કોઈ મતલબ નથી, પણ જો કે હવે તો છુપાવવાનો પણ કોઈ મતલબ નથી ને! આજે માત્ર હળવા થઈ જવાની ઇચ્છા હતી તો બધું લખી દીધું.'

'આજે સવારે હું મારા ગામ જઈ આવી હતી, ત્યાં બધાને મળી આવી. મારા હર્યાંભર્યા ખેતરો ને કામ કરતાં વહાલુડા બાળકો! ને પેલાં આખરી શ્વાસ ગણતા વૃધ્ધો! બધું થોડીવાર પણ ફરીવાર જીવી આવી. પછી સડસડાટ તમારી સ્કૂલે પણ આવી હતી, તમને ખબર ન પડે એમ! અને તમને લેક્ચર લેતા જોયા, અહા! મને વર્ષો પહેલાના કોમળ હાર્ડી વર્ષો પછી ફરીવાર દેખાયા - ઊર્મિથી લોથપોથ, મન લગાવીને ભણાવતાં હોય એવા! નિષ્ઠાવાન અને મહેનતુ - આખરી ઘડીએ પણ આ નિર્મળ સ્વરૂપના દર્શન થયા ખરા! પણ એક વાત ના સમજાઈ. એક બાળકી કઈક લખતી હતી એ તરફ તમારું ધ્યાન ગયું ને તમે એની બુક હાથમાં પકડી, તેણીએ ધ્રુજતા હાથે બુક તમારા હાથમાં આપી તો હતી કવિતા! ને તમે ગુસ્સાથી લાલચોળ થઈને બૂકમાંથી કવિતા ફાડી લીધી, અને એટલું જ નહીં ગુસ્સાથી બોલ્યા, "ચાલુ લેક્ચરમાં આવું લખવાનું કેમ? મારા લેક્ચરમાં કેમ મન નથી લાગતું? શું કચાશ છે? મને એ નથી સમજાતું કે શું બાકી રાખ્યું છે તમને લોકોને બેસ્ટ આપવામાં, કહીશ મને? પ્લીઝ કહીશ મને?!" કહેતા ક્લાસ પૂરો કરી ભાગ્યા...'

'મને એ જ ક્ષણે સમજાઈ ગયું કે તમને પેલી કવિતામાં નીલા દેખાઈ અને તમે તાડુક્યાં, જાણે નીલાને પૂછતાં ન હોય!'

' "ના! હાર્ડી! તમારો કોઈ જ વાંક નથી, તમે તો વર્ષોથી ઘેરાયેલા અંધકારનો દિવડો બનીને પળવારમાં મારૂ જીવન પ્રકાશિત કર્યું છે, સુગંધિત કર્યું છે - અને અનાયાસે જ મારી કવિતાઓ ને પણ, મને ફર્શ પર અડધા સુકાયેલા રંગોવાળા ચિત્રોમાં તમારું અસ્તિત્વ સમજાતું! મારી અધૂરી ડાયરીના પાને પાનાંએ તમારા માટેનો પ્રેમ સાચવીને રાખ્યો છે. અરે હા! રસોડામાં તમારી મનગમતી વાનગી સજાવીને રાખી છે, બહુ પ્રેમથી બનાવી છે એને! મારા પ્રેમને છેલ્લીવાર પ્રેમથી ખાઈ લેશો ને! આપણા બેડરૂમાં મારી તમને ગમતી મારી મોટી તસવીર હાર પહેરાવીને રાખી દીધી છે. એ ત્યાં જ બરાબર છે. નીચે લિવિંગ રૂમમાં રાખવાની જરૂર નથી, કારણ કે ત્યાં બીજા બધા વારંવાર જોશે, પણ તમે બહુ ઓછી વાર નીરાખશો, કેમ કે તમારો મોટા ભાગનો સમય તો ત્યાં બેડરૂમમાં જ ગાળો છો ને! હું તમારી સાથે જ રહીશ, રાખશો ને! બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. હવે તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી.'

'હા, થોડીવાર પછી રામુ પણ આવી જશે. હા, હા ધીરજ રાખો કહું છું... રામુ મારા ગામનો છે, પાંચ ભણેલો છે, બહુ બહુ તો વાંચતા લખતા આવડે, પણ પ્રેમાળ બહુ છે, એટલે તમારો બરાબર ખ્યાલ રાખશે, તેને રસોઈ બહુ સરસ આવડે છે હો! અને હું તો તેની પાસેથી જ રસોઈ શીખી છું, તે ઘરનું બધું કામ આટોપી લેશે. હું તેને બધું સમજાવી ગઈ છું. માટે તમારે કોઈ લપ નહીં કરવી પડે, અને હા તે મારી જેમ બોલ બોલ કરે તેવો નથી, શાંત સ્વભાવનો છે અને ધીરગંભીર છે...'

'અને હા, જતાં જતાં કહી દઉં છું કે પેલી પ્રિયાને તેની કવિતા પાછી આપી દેજો! હું જાણું છું તમે એને બેપરવાહીથી ક્યાંક મૂકી દીધી છે, પણ શોધજો, મળી જશે.'

'હવે તો તમારો આવવાનો ટાઇમ થયો છે માટે મારે જવું જ પડશે. જો તમે આવી જશો તો જઈ નહીં શકું, જઈ શકાશે જ નહીં...'

'આ ચીઠ્ઠી પૂરી કર્યા પછી તમે આવેશમાં ન આવી જતાં, હું જાણું છું તમે એટલું જ કહેશો, "નીલા! થોડીક વાર ન રોકાઈ?!"... '

'હું તમારી પાસે માફી માંગુ છું તમને વેદના આપવા બદલ, પણ હવેથી ક્યારેય નહીં આપું...'

'અને હા ઘણાં વર્ષોથી પ્રેમ કરવાનું ભૂલી ગયા છો, વર્ષો સુધી કરી શકશો?! મારી પરવાહ ન કરતાં, મારા તો આ આખરી શ્વાસ છે, પણ તમારી સામે તો તમારું આખું જીવન છે!'

લી.
તમારી નીલા.


ને હાર્ડીસાહેબ ફસડાઈ પડયાં હતાં. એની આરામ ખુરશી પર આરામથી પોઢી ગયેલી નીલાને પકડીને કલ્પાંત કરી ઊઠ્યા, કદાચ પહેલી વાર આવો કલ્પાંત જોઈ રહેલી દિવાલો ધ્રૂજી ઊઠી...

*

રામુએ ઘરની સાથે જીવનમાં પ્રવેશ કર્યો અને દરકાર લેવાનું શરૂ કર્યું. હજી તો માંડ વીસ વર્ષની બાલિશ ઉમર હતી, મેં તેને ભણાવવાનું નક્કી કર્યું, તે ભણતો જાય ને ઘર સાંભળતો જાય. શરૂઆતમાં બે ત્રણ વર્ષ તો માન્યો નહીં પણ પછીથી ભણવાનું શરૂ કર્યું.

નીલાના નિધનના દિવસે જ હાર્ડીસાહેબે પેલી પ્રિયાની કવિતા શોધવાનું ચાલુ કર્યું. તે ચીમડાઈને સ્કૂલે જ પડેલી હતી. પ્રિયાને બોલાવીને પૂછ્યું, "બેટા! તારા પપ્પા શું કરે છે?" પ્રિયા આંખો નમાવીને સહજ વિનમ્રતાથી બોલી, “મારે માતા પિતા નથી, હું અનાથાશ્રમમાં રહું છું…”

ને હાર્ડીસાહેબનું હૃદય તૂટી ગયું, કઈ કેટલાયે ટુકડાઓમાં વહેંચાઈ ગયું ને દ્રવી ઊઠ્યું! પ્રિયાની નાની આંખોમાં દરીયાળ વેદના ઉપસીને કવિતા બની ગયી હતી ને પોતે એનો 'ડૂચો' કરીને કેટલો અપરાધ કર્યો હતો! જો પોતે નીલા જેટલાં સાહજિક હોત તો તેને વહાલથી છાની રાખી શકયા હોત, પણ પાછલા ઘણાય વર્ષોથી નિર્દયી બન્યા હતા એટલે ઘડીક તો શું બોલવું સમજાયું નહીં, પણ પછી જેમતેમ મનાવીને પ્રિયાને પોતાને ઘેર ભણાવવા લાવ્યા. એ પંદર વર્ષની કિશોરીના કિલકિલાટથી ઘરમાં નવી રોનક ફેલાય ગયી, એ નીલાને તેની અધૂરી ડાયરીમાં, કવિતાઓમાં, પ્રોજેક્ટ્સમાં શોધ્યા કરતી, સમજવાની કોશિશ કર્યા કરતી, ક્યારેય સમજાયું નહીં, પરંતુ ધીરે ધીરે આદત પડી ગયી હોય એમ માથાકૂટ કરવાનું છોડી દીધું! પાંચ સાત વર્ષમાં તો પ્રિયા તેના ઘરે - પતિના ઘરે ચાલી ગયી, ને હાર્ડીસાહેબનાં જીવનમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો...

*

હવે ફરીથી પોતે અને રામુ બચ્યાં હતાં. રામુ એની ભારે કાળજી રાખતો. બૂટથી માંડીને શૂટ સુધીની!

પણ આજથી હવે કોઈની કાળજીની જરૂર નહોતી કેમકે આજે પોતે શિક્ષકમાંથી રિટાયર્ડ થયા હતા, જીવનના જોરદાર પ્રવાહમાં આમ અચાનક અટકવાનું થયું એટલે એમને મોટો ધક્કો લાગ્યો, એ જીરવી ન શક્યા, અને કદાચ પહેલી વાર આટલા વર્ષો પછી રડી પડ્યા, રોજ સવારે પંદર વર્ષનો કિશોર બની જતો, અને આજે અચાનક અઠ્ઠાવન! હવે આ નિર્બળ શરીરનું શું કામ છે? આ જીવન હવે ખાલીપાથી ભરાઈ જશે, જીવી તો શકાશે પણ જીરવી નહીં શકાય...

દોડીને ફરી સ્કૂલે ગયા, સ્ટાફરૂમ, પ્રાર્થનાખંડ, લેબ, ક્લાસ, મેદાન, લાઇબ્રેરી, ને એવા તો કેટલાય એક એક ખૂણા! હાર્ડીસાહેબ વિચારે છે, હું રીટાયર્ડ થયો એ પહેલાં જ જીવનથી ટાયર્ડ થઈ ગયો. ગયા વર્ષે મહેતા સાહેબ રીટાયર્ડ થયા ત્યારે બહુ દુખ થયું હતું, મને હતું હવે હું રીટાયર્ડ થઈશ ત્યારે મને પણ આવું જ થશે, પણ એ માત્ર લાગણી જ હતી, આજે લાગણીની સાથે દર્દ પણ છે, હ્રદય પર થડકા લાગે છે, શ્વાસ ભરાય છે, અને થાય છે કે બીજાનું દર્દ માત્ર સમજી શકાય છે પણ અનુભવી શકાતું નથી...

મારા હ્રદય પર બાઝેલી ઉબડ ખાબડ ઊર્મિ ઓગળી રહી છે, હૃદયની સપાટી પર પીડા મોસમની જેમ ઊગી રહી છે, તાજા ઝખમનાં વાસંતી ફૂલો ઉપસી આવ્યા છે, જડ ચેતના કોઈ ઝરણાની જેમ વહીને અસ્તિત્વને સંવેનશીલ બનાવી રહી છે - સ્વચ્છ બનાવી રહી છે, હું ધીમેકથી ખેંચાઈ રહ્યો છું - જીવનનાં પાછલા પ્રહર તરફ, સ્મૃતિનાં સઢ અને હરાતી જતી બાજીના હલેસાં વડે જીવન મને વહેડાંવી જાય છે ને હું તેને વિનવું છું, એને જરાક થોભવાનું કહેતો, નાના બાળકની જેમ ધમપછાડા કરું છું ઘડીક વધુ રોકાઈ જવાના, આ આંખ નીચે કેટલાય આંસુ છુપાયા છે વહી લેવા દે એકવાર, કેટલાયે નનકૂકડા સ્મિત ચોરી લીધા છે આપી દેવા દે એકવાર, કેટલાયને હારતા જોયા છે, હારી જવા દે એકવાર, ડૂમો બનીને અટવાયેલા મૂઢ સત્યોને અસ્તિત્વમાં નિરાંતે ઉતારી લેવા દે એકવાર, બસ એકવાર ઓ શ્વાસ મારી સ્મૃતિઓને મારા સ્પંદનો સાથે ધબકી લેવા દે, ભલેને અંતિમવાર પણ બસ એકવાર...

*

"સર! સર! શું થયું સર! હાર્ડીસાહેબને શું થયું જુઓ તો હરિસાહેબ?!" હરીસાહેબ દોડતાં આવે છે અને સ્તબ્ધ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, બધા બાળકો જાણે ખૂબ સમજદાર હોય એમ ચૂપ થઈ ગયા, એક જણે અચાનક આગળ આવીને કઈક નિરર્થ આશા વ્યક્ત કરતાં કહ્યું, "મજાક તો નહીં કરતાં હોય ને! મનમાં હસતાં હોય એવા ભાવ લાગે છે ચહેરા પર!"

બધા સ્તબ્ધ થઈને કઈક આશા સાથે હાર્ડીસાહેબના મુખ પર અનાયાસે જ છૂટી ગયેલા કે પછી પ્રેમથી છોડાયેલા હળવા સ્મિતને તાકી તાકીને જોઈ રહ્યા, જાણે કહી રહ્યા ન હોય, "જ્યાં સુધી પીડા 'સમજાય' છે ત્યાં સુધી જ દુઃખ રહે છે, 'અનુભવાય' પછી બધું જ શાંત થઈ જાય છે..."

 

* * *

(Originally Written in 2014)

Trending Blogs

Top 5 Most Visited Blogs

Previous
Next

Hey! Subscribe Email!

Read Interesting Blogs While having your Tea!

Don’t miss our new blog updates!